આજ વહેલી સવારથી જ CM ભુપેન્દ્ર પટેલે કલેકટર કચેરીનો હવાલો સંભાળ્યો
મોરબીમાં થોડા દિવસો પહેલ શરૂ થયેલો ઝૂલતો પુલ પર હજારો લોકોની અવર જવર રહેતી હતી.ઓરેવા ટ્રસ્ટ દ્વારા બેસતા વર્ષને દિવસે રીનોવેશન કર્યા બાદ લોકો માટે પુલ ખુલ્લો મુકાયો હતો.દિવાળીના તહેવારમાં 5 દિવસ દરમ્યાન આશરે 12 હજાર થી વધુ લોકોએ પુલની મુલાકાત લીધી હતી.
મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતા માથે ઉભેલા ૫૦૦ કરતા વધુ મુલાકાતીઓ મચ્છુ નદીના પાણીમાં ખબકયા હતા.જેમાં અત્યાર સુધીમાં મૃત્યુ આંક ૧૪૧એ પહોચ્યો છે. જેમાં રાજકોટના ભાજપના સાંસદ મોહનભાઈ કુંડારીયાના પરિવારના 12 જેટલા સભ્યોએ મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનામાં જીવ ગુમાવ્યો હતો.12 લોકોના મોતથી શોકનું મોજું ફરી વળ્યું છે.
સાંસદ મોહનભાઈ કુંડારીયાની નાની બહેનના એક જ પરિવારના ૧૨ સભ્યોમાં નાની બહેનના જેઠની ૪ દીકરીઓ, ૩ જમાઈ અને ૫ બાળકો હતા.તમામ સભ્યો મોરબી તાલુકાના ખાનપર,હરીપર,કેરાળા અને રોયશાળાના રહેવાસી જીવાણી અને અમૃતિયા પરિવારના સભ્યો હતા.
આજ વહેલી સવારથી જ CM ભુપેન્દ્ર પટેલે કલેકટર કચેરીનો હવાલો સંભાળ્યો છે.તમામ વસ્તુ પર નિરીક્ષણ કરી રહ્યા છે.મોરબીની ગોઝારી હોનારતમાં અંતે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.કસૂરવારો સામે આઇપીસીની ધરખમ કલમ 304 અને 308 હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે.આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપી છે.
મચ્છુ નદીમાં ગરકાવ હતભાગીઓને શોધવા આર્મી, નેવી, એરફોર્સ, એન.ડી.આર.એફ., ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી વગેરેએ પણ અડધી રાતે ઘટનાસ્થળે જઈને બચાવ ઓપરેશનને રૂબરૂ નિહાળીને દિશાસૂચન કર્યા હતા.
મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ આરોગ્ય કેન્દ્રો, રાજકોટ પીડીયુ હોસ્પિટલ તેમજ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના ૪૦ જેટલા ડોક્ટરોએ ખડેપગે રહીને ઈમરજન્સી સારવાર શરૂ કરી હતી.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.)ની વડોદરાની ત્રણ ટીમ તથા ગાંધીનગરની બે ટીમ મળીને કુલ પાંચ ટીમના ૧૧૦ સભ્યો હવાઈ તથા જમીન માર્ગે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવકાર્યને ઝડપી બનાવ્યું હતું. જ્યારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસ.ડી.આર.એફ.)ની જામનગરની બે પ્લાટુન, ગોંડલ તથા વડોદરાની ૩-૩ પ્લાટુનના કુલ ૧૪૯ જેટલા સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
જામનગર ગરુડ કમાન્ડોની એક ટીમ તથા સુરેન્દ્ગનગર અને ભુજની બે કંપની પણ આ બચાવકાર્ય માટે ખડે પગે રહી હતી. રાજકોટ ફાયરબ્રિગેડની સાત ટીમ ૧૦ બોટ સાથે પહોંચી હતી. જામનગર અને પોરબંદરની નૌ સેનાની ૨ ટીમના ૫૦ ડાઈવર્સે મચ્છુ નદીમાં હતભાગીઓને શોધવાના ઓપરેશનમાં જોડાયા હતા.
આ દરમિયાન નગરપાલિકાઓના કમિશનર રાજકુમાર બેનિવાલ, મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, રાજકોટ જિલ્લાના નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ, મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો આખીરાત ખડેપગે રહ્યો હતો. દરમિયાન સ્થાનિક લોકો પણ તંત્રની કામગીરીમાં મદદરૂપ થતા રહ્યા હતા.