સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી તા. 13ને શુક્રવારના રોજ મુલાકાતે આવનાર છે આ અંગેની તડામાર ત્યારીઓ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ પ્રસંગે રામપર બેટી ખાતે વિચરતી વિમુક્ત જાતિ માટે નિર્માણ કરાયેલા 65 મકામોનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.
રાજકોટમાં અડધો ડઝનથી વધુ કરોડોના ખર્ચે વિકાસકામોનાં લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કરોડોના આ વિકાસકામોની યાદી પણ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયને વહીવટી તંત્ર દ્વારા પહોચતી કરી દેવામાં આવી છે.
શહેરના માધાપર ખાતે કોર્ટ બિલ્ડીંગ, ઇશ્ર્વરિયા ખાતે સાયન્સ સિટી, ઝનાના હોસ્પિટલ, સ્પોર્ટસ સંકુલ, લેડીઝ હોસ્ટેલ સહિતના કરોડોના વિકાસકામોની નિર્માણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોય છે. આ વિકાસકામોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થાય તે માટે તખ્તો તૈયાર કરી દેવામાં આવેલ છે. અહીં એ ઉલ્લેખનીય છે કે, માધાપર ખાતે સ્પોર્ટસ બિલ્ડીંગ નિર્માણ થયાને લાંબો સમય પસાર થઇ ચૂક્યો છે.
આ બિલ્ડીંગનું હાલ ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. આવી જ રીતે ઇશ્ર્વરિયા ખાતે સાયન્સ સિટીનું નિર્માણ કાર્ય પણ પૂર્ણ કરી દેવામાં આવેલ છે તેમજ કાલાવડ રોડ પર સ્પોર્ટસ સંકુલ અને રેસકોર્સ નજીક સ્પોર્ટસ હોસ્ટેલ પણ ઉદઘાટનની રાહ જોવાઈ રહી છે. આવી જ રીતે ઝનાના હોસ્પીટલની નિર્માણ કામગીરી પૂર્ણતાના આરે પહોંચી ગઇ હોય આ વિકાસકામોનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન થાય તે માટે વહીવટી તંત્રે તૈયારીઓ પૂરજોશમાં શરુ કરી છે.
આગામી તા. 13મીની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની રાજકોટની આ મુલાકાત દરમિયાન રામપરા બેટી ખાતે વિચરતી વિમુક્ત જાતિ માટે તૈયાર થયેલા 65 મકાનોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. તેમજ ઘર વિહોણા પરિવારોને સનદ વિતરણ તેમજ ઉજ્વલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર વિતરણનો કાર્યક્રમ રામપરા બેટી ખાતે સવારે 10:00 કલાકે યોજવામાં આવશે. .