- દેવાધિદેવ મહાદેવ સમક્ષ મુખ્યમંત્રીએ સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા પ્રથમ જ્યોતિર્લિંગ એવા દેવાધિદેવ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રી પર્વ નિમીત્તે સોમનાથમાં પ્રથમ વાર ઉજવાનારા સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવવા સોમનાથની મુલાકાતે પહોંચ્યા હતા.
આ મહોત્સવના ઉદઘાટન પૂર્વે મુખ્યમંત્રીએ 12જ્યોતિર્લીંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
સોમનાથ મંદિરના પંડિતોએ શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના ભગવાન સોમનાથ સમક્ષ કરી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને પ્રસાદભેટ આપવામાં આવી હતી.
પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય પ્રદ્યુમન વાજા, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા, અગ્રણી સર્વ મહેન્દ્ર પીઠિયા, રાજશી જોટવા, માનસિંહ પરમાર તથા ગીર-સોમનાથ વહિવટી તંત્રના અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.