• અમરેલીના ભવ્ય વારસા સમાન ઈમારતનું આશરે રુ.૨૫ કરોડના ખર્ચે નવીનીકરણ થશે

અમરેલીવાસીઓને ઐતિહાસિક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી ખાતે ઐતિહાસિક રાજમહેલ (પેલેસ ઑફ અમરેલી) ના પુનઃ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગાયકવાડી કાળની આ ઐતિહાસિક ઈમારતનું આશરે રુ.૨૫ કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી નવીનીકરણ કરવામાં આવશે.

અમરેલી જિલ્લાના લોકોને રુ.292 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી પધાર્યા છે. અમરેલી શહેર મધ્ય આવેલો ઐતિહાસિક રાજમહેલ હાલ જર્જરિત સ્થિતિમાં છે ત્યારે, “વારસાના વિકાસ”ને વેગ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રએ આ ઈમારતના નવીનીકરણના કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો.Screenshot 1 17

અમરેલીના રાજમહેલ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સૌથી પહેલા પ્રજાજનોને મળવા પહોંચ્યા હતા. સ્થાનિક વકીલો, ડૉક્ટરઓ તેમજ નાગરિકોનું અભિવાદન ઝીલતા મુખ્યમંત્રીએ તેમની સાથે વાતચીત કરી હતી.

રાજમહેલ ખાતે તકતી અનાવરણ કર્યા બાદ પરિસરમાં પ્રદર્શનને ઝીણવટપૂર્વક નિહાળીને તેમણે ઈમારતના ભવ્ય વારસાની વિગતો મેળવી હતી. આ સાથે ઇમારતનું નવીનીકરણ જે પરંપરાગત પદ્ધતિથી થવાનું છે તેની વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી.

આ તકે સાંસદ ભરત સુતરિયા, વિધાનસભાના દંડક કૌશિક વેકરિયા, ધારાસભ્ય સર્વ મહેશ કસવાલા, જે.વી. કાકડીયા, જનક તળાવીયા, જિલ્લા કલેકટર અજય દહિયા, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, નાયબ કલેક્ટર પૂજા જોટંગિયા વગેરે જોડાયા હતા.

નોંધનીય છે કે, વડોદરાના રાજા ગાયકવાડના સમયનો આ મહેલ 132 વર્ષ જૂનો છે. સન 1892માં તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું. બે માળની આ ઇમારતમાં એક માળની સરેરાશ ઊંચાઈ આશરે 10થી 12  મીટર જેટલી છે. રજવાડી કાળમાં અહીં “લોક-દરબાર” ભરાતો હતો અને લોકોને ન્યાય આપવાની કામગીરી થતી હતી. દેશ આઝાદ થયા પછી સન 1948થી લઈને 2012 સુધી આ ઇમારતમાં જિલ્લા સેવા સદન એટલે કે કલેક્ટર કચેરી કાર્યરત હતી. આ ઈમારતના પ્રાંગણમાં મહારાજા સયાજીરાવ ત્રીજા સર ગોપાલરાવ ગાયકવાડની કાંસ્યની પ્રતિમા મૂકવામાં આવી છે.

Screenshot 2 10

અમરેલીના ભવ્ય ઐતિહાસિક વારસાના પુનઃસ્થાપનના હેતુસર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા “અમરેલી શહેરમાં આવેલા રાજમહેલના સંરક્ષણ અને વિકાસની કામગીરી” શરુ કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે રુ.25 કરોડની મંજૂરી આપી છે. નવીનીકરણ બાદ અમરેલીનો આ ભવ્ય વારસો નવજીવન પામશે.

આ ઇમારતનું નવીનીકરણ પણ વિશેષ રીતે કરવામાં આવશે. ઇમારતમાં અંદર તથા બહારના ભાગમાં ડ્રાય-ક્લીનીંગ, છતનું વોટર-પ્રૂફીંગ, ચૂનાના પથ્થરના ઉપયોગથી હયાત ઇમારતનું મજબૂતીકરણ, પ્લાસ્ટરની મદદથી હયાત ઇમારતનું રિપેરીંગ, ઇમારતના રાત્રિ સુશોભન માટે લાઈટીંગ, લાકડાના છત, હેરિટેજ હોટેલમાં તબદીલ, પાર્કિંગની સુવિધા, ગાર્ડન એરિયા, હેરિટેજ લાકડાની સીડીનું રિપેરિંગ, લાકડાના બારી-દરવાજા, ઝરુખાના રિપેરીંગની કામગીરીનો સમાવેશ થાય છે. આ ઇમારતના નવીનીકરણમાં સિમેન્ટના બદલે ડોલોમાઈટ, ચિરોડી, મેથી, અડદ દાળ, ચૂનો, પથ્થરનો ભૂકો, સુરખી પાવડર, ગુંદ, શંખજીરુ, લીમસીડ એસિડ, ગોળ વગેરેનો ઉપયોગ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.