મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો, મહાનગરોમાં વસતા નાગરિકોને પીવાનું પાણી નિયમીત પણે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા જનહિતકારી હેતુ સાથે ૪ નગરોમાં પાણી પુરવઠા યોજનાના કુલ રૂ. ૪૫.૦૯ કરોડના કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી છે
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માંગરોળ, વંથલી, ઓખા અને માણાવદર નગરપાલિકામાં પાણી પુરવઠાના વિવિધ કામો મંજૂર કર્યા છે
મુખ્યમંત્રીએ આ નગરોમાં હાલના બેઇઝ ઇયર મુજબ આગામી ર૦પ૧-પર ના વર્ષની અંદાજિત વસ્તીની પાણી જરૂરિયાત ધ્યાને રાખીને પાણી પુરવઠાની આ યોજનાઓ માટેની ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા રજુ કરાયેલી દરખાસ્તોને અનુમતિ આપી છે
GUDM દ્વારા મુખ્યમંત્રી સમક્ષ જે ચાર નગરો માટે પાણી પુરવઠા યોજનાના કામોની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી તેમાં માંગરોળ માટે રૂ. રર.૬૪ કરોડ, વંથલી માટે રૂ. ૭.ર૧ કરોડ, ઓખા માટે રૂ. પ.૬૯ કરોડ અને માણાવદર માટે રૂ. ૯.પપ કરોડના કામોનો સમાવેશ કરવામાં આવેલો છે
મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ચારેય નગરપાલિકાઓમાં પાણી પુરવઠા યોજનાના વિવિધ કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને પરિણામે હવે આ ૪ નગરપાલિકાઓમાં પાણી પુરવઠાના કામો અન્વયે રાઇઝીંગ મેઇન, ગ્રેવીટી મેઇન, વિતરણ વ્યવસ્થા, વોટર સંપ, પંપ હાઉસ, પમ્પીંગ મશીનરી, ભૂગર્ભ સંપ ના કામો તેમજ ફિલ્ટર પ્લાન્ટ, હાઉસ કનેકશન અને સ્ટોરેજ કામોનું આયોજન હાથ ધરાશે