• રાજ્યમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા
  • જૂન 2024માં પ્રસિદ્ધ કરાયેલા ડ્રાફ્ટ નિયમો અંગે નાગરિકોના મળેલા વાંધા સૂચનોનો કાળજીપૂર્વક અભ્યાસ પછી નિયમોને આખરી સ્વરૂપ અપાયું
  • 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ-બોટ-હોડીની નોંધણી-સર્વેક્ષણ અને સલામતીના પગલાંઓ વ્યાપક બનાવવામાં આવ્યા
  • વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી કે બોટિંગના રજિસ્ટ્રેશન માટે સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે
  • વોટરસાઇડ સેફ્ટી કમિટી સમયાંતરે બોટ સંચાલન અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનું ઇન્સ્પેક્શન કરશે
    નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલાં લેવાશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી વધુ સલામત અને સુરક્ષિત બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ હેતુસર મુખ્યમંત્રીએ ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ (કેટેગરી ‘C’ ઇનલેન્ડ વેસેલ્સની નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન) નિયમો 2024ને મંજૂરી આપી છે.

રાજ્ય સરકારે ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ 2021ની જોગવાઈઓ અનુસાર કેટેગરી ‘C’ ઇનલેન્ડ વેસેલ્સની નોંધણી, સર્વેક્ષણ અને સંચાલન માટેના આ નિયમોનો ડ્રાફ્ટ જૂન-2024માં તૈયાર કરીને તેમાં લોકોના વાંધા સુચનો આમંત્રિત કરવા પ્રસિદ્ધ કર્યો હતો.

આ ડ્રાફ્ટ સંદર્ભમાં આવેલા વાંધા-સુચનોનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને હવે આ નિયમોને આખરી સ્વરૂપ આપવાના દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ બંદર અને વાહન વ્યવહાર વિભાગને આપ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હરણી તળાવ બોટની ઘટના પછી રાજ્યમાં વોટર સ્પોર્ટ્સ તથા બોટિંગ એક્ટિવિટી વધુ સુરક્ષિત અને સલામત બનાવવા પ્રાથમિકતા આપી છે.

તદ્અનુસાર રાજ્ય સરકારે જાહેર કરેલા આ નવા નિયમો 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ- હોડી- બોટ માટે લાગુ કરવામાં આવ્યા છે.

આ નિયમો અંતર્ગત 10 મીટરથી ઓછી લંબાઈના પ્લેઝર ક્રાફ્ટ- હોડી- બોટનું રજિસ્ટ્રેશન કરાવવા માગતા વ્યક્તિઓએ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવાની રહેશે.

આ નિયમોમાં એવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, જિલ્લા કે શહેરની વોટરસાઈડ સેફ્ટી કમિટી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટના સંચાલનનું સમયાંતરે ઈન્સ્પેક્શન કરશે તેમજ સલામતિ નિયમોના ભંગ બદલ દંડરૂપી શિક્ષાત્મક પગલા લઈ શકશે.

શહેરી અને ગ્રામિણ વિસ્તાર તથા અન્ય સત્તાધિકારીઓની ભૂમિકાઓ અને જવાબદારીઓના સંદર્ભમાં પણ નિયમોમાં વિસ્તૃત જોગવાઈ કરવામાં આવી છે. તેમજ ઓપરેટરનો રોલ, લાઈફ જેકેટ, મન્થલી મેઈન્ટેનન્સ, ક્વોલિફાઈડ ક્રુ મેમ્બર્સ, લાઈફ બોટ, ઈમરજન્સી રિસ્પોન્સ બોટ, સલામતિના સાધનો, જનજાગૃતિ અને પર્યાવરણીય સલામતીના ધોરણો પણ વિસ્તૃત બનાવવામાં આવ્યા છે.

ઇનલેન્ડ વેસેલ્સ એક્ટ, 2021 અને અન્ય સંબંધિત નિયમોની સત્તાઓનો ઉપયોગ કરીને, રાજ્ય સરકારે કાયદા હેઠળ સત્તા અથવા ફરજો નિભાવવા માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની નિમણૂક કરી છે.
મુખ્ય સર્વેયર તરીકે ગુજરાત મેરીટાઇમ બોર્ડના નોટિકલ ઓફિસર, વોટર સ્પોર્ટસ એક્ટિવિટી અને બોટિંગના રજિસ્ટ્રેશન માટે રજિસ્ટ્રાર તરીકે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિવિધ સર્વેના ઇન્ચાર્જ તરીકે મરીન ઓફિસર અને ઇજનેરોની નિમણૂક પણ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરાયેલા આ નવા નિયમો રાજ્યમાં વોટર સ્પોર્ટ્સ અને બોટિંગ પ્રવૃત્તિઓને મજબૂત કરશે.

એટલું જ નહીં સલામતીનાં પગલાં, નિયમિત ઈન્સપેકશન સહિતની બાબતો લાગુ થવાથી બોટિંગ અને વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં સંભવિત જોખમો ઘટાડી શકાશે. તેમજ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રને વેગ અને રોજગાર વૃદ્ધિ સાથે એકંદર જાહેર સલામતીમાં પણ વધારો થશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.