મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હત્તભાગીઓના પરિવારજનોને રુબરુ મળી સાંત્વના પાઠવી.
રાજકોટના શહેરીજનો એવા કડીયા પરિવારના ૧૫ કુટુંબીજનો ગત તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ ચાર ધામની યાત્રાએ નીકળેલા હતા. તેઓએ ગંગોત્રી ખાતેથી દર્શન કર્યા બાદ આગળની યાત્રા દરમિયાન ગમખ્ગાર અકસ્માત સર્જાતા કુલ દસ વ્યકિતઓના મૃત્યુ થયેલ હતા. આ દુ:ખદ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મૃત્યુ પામેલ યાત્રિકોના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે અકસ્માતનો ભોગ બનનાર છ પરિવારોને કુટુંબ દીઠ રૂપિયા પાંચ-પાંચ લાખની રાજય સરકાર દ્વારા સહાય આપવાની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે મને અકસ્માતના સમાચાર મળતા રાજયના મુખ્ય સચિવને ઉત્તરાખંડ રાજય સરકાર અને ભારત સરકારનો ઝડપભેર સંપર્ક કરીને અકસ્માતના સ્થળે જેટલા લોકો બચી શકે તેટલા લોકોને બચાવવા સુચના આપી હતી અને જે કંઇ ખર્ચ થાય તે રાજય સરકાર ભોગવશે અને અકસ્માતમાં મૃત્યુ પામનાર યાત્રિકોના પાથિવદેહને રાજકોટ લાવવા એરફોર્સના વિમાનની વ્યવસ્થા કરી હતી.
આ પ્રસંગે ગુજરાત પછાત વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકી, ગુજરાત મ્યુનિ. ફાય. બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, અગ્રણીઓ અંજલીબેન રૂપાણી, નીતીનભાઇ ભારદ્વાજ, રાજુભાઇ ધ્રુવ, પૂર્વ ધારોભ્ય ભાનુબેન બાબરીયા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, અધિક નિવાસી કલેકટર પરીમલ પંડયા વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.