મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના : રોજગારીની દિશામાં નવતર પહેલ
રાજકોટ જિલ્લાની ૧૪ જેટલી આઈ.ટી.આઈ. ના વિદ્યાર્થીઓને મહત્તમ લાભ મળશે
ગુજરાત સરકાર દ્વારા યુવાનોને નોકરી માટે જરૂરી અનુભવ અને સાથો-સાથ ભથ્થું પણ મળી રહે તે માટે ખાસ ‘મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના’ શરુ કરવામાં આવી હોઇ, યુવાનોમાં આ યોજના પ્રત્યે અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે નાના મોટા ઉદ્યોગોઅને ઉદ્યોગ ચલાવતા એકમોને અનુભવસિધ્ધ કુશળ કર્મચારીઓની જરૂર હોય છે. જયારે શાળા-કોલેજમાંથી અભ્યાસ પુરો કરનારા વિદ્યાર્થીઓને અનુભવ વગર સીધી નોકરી મેળવવી મુશ્કેલ હોય છે. આ બંને પરિસ્થિતિઓ વચ્ચેની વિષમતા દૂર કરવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં ધો. ૮ થી સ્નાતક સુધીના તમામ વિદ્યાર્થીઓને ચાલુ નોકરીએ કૌશલ્ય તાલીમ મળી રહે તે માટે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના શરુ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વિશેષ લાભ આપવામાં આવતા હોવાથી અનેક નાના-મોટા ઔદ્યોગિક એકમો આ યોજનામાં સહભાગી બની રહયા છે.
પ્રોત્સાહક લાભ મળતા નાની-મોટી અનેક ઇન્ડસ્ટ્રીઝ એપ્રેન્ટિસશીપ યોજનામાં સામેલ
રાજ્ય સરકાર દ્વારા એપ્રેન્ટિસશીપ યોજના હેઠળ ૪૦ થી વધુ કર્મચારીઓ ધરાવતા કોઇ પણ ઉત્પાદક એકમ કે સેવાકીય એકમમાં ૨.૫% થી૧૦ % સુધીએપ્રેન્ટિસ કર્મચારીઓ લેવાના ફરજિયાત હોય છે. આવા એકમમાં એક અલ્પકુશળ કર્મચારીનો પગાર ખર્ચ આશરે ૭૫૦૦ રૂ. જેટલો થાય છે, જે પૈકી કેન્દ્ર સરકાર દ્વારા ૧૫૦૦ તેમજ રાજ્ય સરકાર દ્વારા ૧૫૦૦ જેટલી રકમ મળતાં રૂ. ૭૫૦૦ માંથી કુલ ૩૦૦૦ જેટલો ખર્ચ ઔદ્યોગિક એકમને બાદ મળે છે. આમ કંપનીને માત્ર રૂ. ૩૫૦૦ જેટલા પગારમાં કુશળ કર્મચારી મળી રહેતા વધુને વધુ ઇન્ડસ્ટ્રીઝ તેમજ કંપનીઓ આ યોજનામાં જોડાઈ રહી છે.
આ યોજના હેઠળ એપ્રેન્ટિસ કરતા તાલીમાર્થીના સ્ટાઇપેંડની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા થાય છે, તેમજ જે – તે કંપનીએ દર ત્રણ માસ બાદ વળતર ક્લેમ કરવાનો રહે છે. આમ, આ યોજના સંપૂર્ણ પારદર્શી છે.
એપ્રેન્ટિસશીપ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય કાઉન્સિલ દ્વારા વર્ષમાં બે વાર એપ્રિલ તેમજ ઓક્ટોબર માસમાં અખિલ ભારતીય વ્યવસાય કસોટી યોજવામાં આવે છે. સફળ થયેલ એપ્રેન્ટિસને જે-તે વ્યવસાયનું કૌશલ્ય પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે આગળ જતાં નોકરી તેમજ વિદેશમાં ઉચ્ચાભ્યાસ માટે મદદરૂપ બને છે.
આઈ.ટી.આઈ. એપ્રેન્ટિસ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આ યોજના લાગુ થયા બાદ રાજકોટ જિલ્લામાં ૮૦૦ થી વધુ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તેમજ એપ્રિલ-૨૦૧૮ પહેલાં ૯૦૦ તેમજ ત્યાર બાદ ૮૫૦ જેટલા યુવાનો એપ્રેન્ટિસ તરીકે જોડાયા છે. ઓગસ્ટ માસમાં સેમેસ્ટર પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસ તરીકે જોડાશે. આ યોજનામાં વધુને વધુ ઇન્ડસ્ટ્રીઝ જોડાય તે માટે ખાસ પહેલ કરવામાં આવી હોવાનું એપ્રેન્ટિસ વિભાગના હેડ મુકેશભાઈ મુંજાણીજણાવે છે. એપ્રેન્ટિસશીપ યોજનામાં જોડાવા માટે http://apprenticeship.gov.inવેબસાઇટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.
રાજકોટ જિલ્લામાં ૧૪ જેટલી આઈ.ટી.આઈ હાલ કાર્યરત છે જેમાં ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કૌશલ્ય આધારિત શિક્ષણ મેળવી રહ્યા છે. પ્રતિ વર્ષ ૯૦૦ થી વધુ વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસશીપ હેઠળ જુદા-જુદા ઉદ્યોગોમાં અનુભવ મેળવે છે. જયારે ગુજરાત રાજ્યની મોટી ઓટો ઇન્ડસ્ટ્રીઝ જેવી કે ટાટા મોટર્સ, હુન્ડાઈ મોટર્સ, હીરો મોટર્સ તેમજ રાજકોટ જિલ્લાની અનેક નાની-મોટી કંપનીમાં અહીંના વિદ્યાર્થીઓને નોકરીની ઉમદા તક સાંપડે છે,તેમ એમ્પ્લોયમેન્ટ હેડ શ્રી અશ્વિન ત્રિવેદીએ જણાવ્યું હતું.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા, રાજકોટ દ્વારા ડ્યુઅલ સીસ્ટમ ઓફ ટ્રેનીંગ અમલી બનાવવામાં આવેલ છે. જેમાં બે વર્ષના કોર્સ પૈકી ૯ માસની સીધી તાલીમ જે તે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પૂરી પાડવામાં આવશે. રાજકોટ જિલ્લામાં ઇલેક્ટ્રિશ્યન, ફીટર, ટર્નર, મશીનીસ્ટ, મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વ્હીકલ, વેલ્ડર, ડ્રાફ્ટસમેન, મિકેનિક વગેરે વિભાગના કુલ ૧૫૧ તાલીમાર્થીઓ આ પ્રકારે જોડાઈ કારકિર્દી બનાવશે, તેમ સંસ્થાના પ્રિન્સીપાલ શ્રી રાજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાઅંતર્ગતટ્રેડ એપ્રેન્ટિસ હેઠળ ૨૬૨ અભ્યાસક્રમ, ગ્રેજ્યુએટ અને ટેકનિશિયન માટે ૧૬૨ અભ્યાસક્રમ, ટેકનિશિયન માટે ૧૩૭ તેમજ ઓપ્શનલ ટ્રેડ હેઠળ ૮૦ જેટલા અભ્યાસક્રમોસંકલિત કરવામાં આવ્યાં હોઈલગભગ તમામ શાખાના વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસશીપ યોજનામાં સામેલ થઈ શકશે.આમઆ યોજના ખરા અર્થમાં ગુજરાતના યુવાનોને રોજગાર માટે જેકપોટ સાબિત થશે.