ચોમાસા દરમિયાન ભારે વરસાદનાં કારણે વિવિધ નગરોમાં રોડ-રસ્તાને નુકસાન થયા બાદ તેની મરામત માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જનહિતકારી નિર્ણય
અગાઉ પણ મુખ્યમંત્રીએ રાજયનાં ૮ મહાનગરોને રોડની મરામત માટે રૂા.૨૧૬ કરોડની ગ્રાન્ટ ફાળવવાનો સરાહનીય નિર્ણય લીધો હતો
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં રાજયની ૮ મહાનગરપાલિકાઓને રોડ-રસ્તાનાં મરામત માટે રૂા.૨૧૬ કરોડની ગ્રાન્ટ ફાળવી હતી ત્યારે ફરી નગરપાલિકાઓનાં રોડ-રસ્તાને વરસાદથી થયેલા નુકસાન બાદ તેની મરામત માટે ૧૬૨ નગરપાલિકાઓને રૂા.૧૭૨.૭૮ કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગ્રાન્ટની રકમમાંથી નગરપાલિકા વિસ્તારમાં ધોવાઈ ગયેલા રોડનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવનાર છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૧૬૨ નગરપાલિકાઓમાં આ વર્ષે અતિભારે વરસાદથી નુકશાન પામેલા માર્ગોની મરામત માટે માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂા.૧૬૦.૪૮ કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાના અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં રસ્તાઓને ભારે નૂકશાન થયું છે.
માર્ગો પર ખાડા પડવા, ધોવાણ થઇ જવું જેવા કારણોસર નગરોના આવા માર્ગોનું રિસરફેસીંગ રીપેરીંગ કરવું આવશ્યક બની ગયું છે. આ સંદર્ભમાં રાજ્યની વિવિધ નગરપાલિકાઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ગ્રાન્ટ ફાળવવા કરવામાં આવેલી રજૂઆતો પ્રત્યે સંવેદનાસ્પર્શી અને નગર સુખાકારી વૃધ્ધિ ભાવ સાથે મુખ્યમંત્રીએ રૂા.૧૬૦.૪૮ કરોડની ગ્રાન્ટ નગરોને ફાળવવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીએ એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, રાજ્યની બ, ક અને ડ વર્ગની ૩૧ નગરપાલિકાઓમાં રસ્તાની સુવિધાઓમાં વધારો કરવાના હેતુસર રૂા.૧ર.૩૦ કરોડ ફાળવવામાં આવશે. આ રકમનો ઉપયોગ થર્મોપ્લાસ્ટ રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટલાઇટ બોર્ડ, રોડ સેફટીના કામો વગેરે માટે કરાશે. વિજયભાઇ રૂપાણીએ આમ, સમગ્રતયા રાજ્યના નગરો માટે મુખ્યમંત્રી સડક યોજના તહેત રૂા.૧૭ર.૭૮ કરોડની ગ્રાન્ટ ચોમાસામાં વરસાદથી માર્ગોને થયેલા નુકશાનની મરામત માટે ફાળવી છે. જે ૧૬૨ નગરપાલિકાઓને આ ગ્રાન્ટ મળવાની છે તેમાં અમદાવાદ ઝોનની ર૭, ગાંધીનગરની ૩૦, વડોદરાની ર૬, સુરતની રર, રાજકોટની ૩૦ તેમજ ભાવનગરની ર૭ નગરપાલિકાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂા.પ૦૦ કરોડની જોગવાઇ આ વર્ષે નગરો-મહાનગરોમાં માર્ગો-રસ્તાના કામો માટે કરવામાં આવેલી છે. આ જોગવાઇમાંથી રાજ્યની નગરપાલિકાઓને ચોમાસામાં અતિભારે વર્ષથી રસ્તા-માર્ગોને થયેલ નુકશાનની મરામત માટે રૂા.૧૬૦.૪૮ કરોડ મુખ્યમંત્રી સડક યોજના અન્વયે ૧૬૨ નગરપાલિકાઓને ફાળવવામાં આવશે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રીએ રાજ્યના ૮ મહાનગરોને આવા ભારે વરસાદથી નુકશાન થયેલા માર્ગોની મરામત માટે રૂ. ૨૧૬ કરોડની ગ્રાન્ટ અગાઉ સપ્ટેમ્બર માસમાં ફાળવેલી છે.