ભારે વરસાદે ડુંગળીના પાકને અસર પહોંચાડી : ભાવ રૂ. ૯૦ પ્રતિ કિલોને પાર

કર્ણાટક અને રાજસ્થાનની લાલ ડુંગળીનું બજારમાં આગમન પૂર્વે ભાવ પર નિયંત્રણ લાવવું મુશ્કેલ

છેલ્લા ૧૦ દિવસથી ડુંગળીના ભાવ લગભગ બમણાં થઈને આસમાને પહોંચ્યા છે. ડુંગળીના ભાવ છૂટક બજારમાં આશરે ૧૫ દિવસ પહેલા રૂ. ૨૦ થી ૪૦ સુધીમાં વેંચાઈ રહ્યા હતા તેના ભાવ આજે રૂ. ૮૦ પ્રતિકીલોને આંબી ગયા છે. ડુંગળીના એકાએક ભાવ વધવા પાછળ જવાબદાર પરિબળ અંગે જો ચર્ચા કરવામાં આવે તો ક્યાંક મૂળમાં અણઘડ નીતિ  અને ગેરવ્યવસ્થા જવાબદાર હોય તેવું ચોક્કસ લાગી આવે.

આ વર્ષે ભારે વરસાદને પગલે લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે ડુંગળીના પાકને નુકસાની સર્જાવાની ભીતિ સર્જાઈ હતી. નુકસાનને પગલે બજારમાં ડુંગળીની અછત સર્જાય તેવી ભીતિને પગલે નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જેનાથી અછત પર મહદઅંશે નિયંત્રણ રાખી શકાયું હતું. ફરીવાર બજારમાં ડુંગળીનો નવો પાક આવશે તેવી આશા સાથે નિકાસને છૂટ આપી દેવામાં આવી. નિકાસની છૂટ મળી જતા નિકાસકારોએ ધમધોકાર નિકાસ શરૂ કરી હતી. નિકાસ શરૂ થતા ધીમેધીમે ભારતીય બજારમાં જ ડુંગળીની અછત વર્તાવા લાગી અને પરિણામે હાલ ડુંગળીના ભાવ આસમાને આંબયા છે.

છૂટક બજાર તો ઠીક હાલ હોલસેલ બજારમાં પણ ડુંગળીના ભાવ બમણાં થઈ ગયા છે. હોલસેલ બજારમાં ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે જો ડુંગળીના પાકને વરસાદથી વધુ નુકસાની સર્જાય તો ભાવ હજુ વધારે ઉંચા જાય તો નવાઈ નહિ. એક અનુમાન અનુસાર ડુંગળીના ભાવ રૂ. ૧૦૦ પ્રતિકીલોએ પહોંચી શકે છે અને ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ગૃહિણીઓને રડાવી રહી છે અને હજુ વધું રડાવી શકે છે.

મહારાષ્ટ્રના જિલ્લાઓમાં ડુંગળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થાય છે પરંતુ હાલ મહારાષ્ટ્રની જ અમુક બજારોમાં ડુંગળીના ભાવ પ્રતિકીલો રૂ. ૯૦ સુધી પહોંચી ગયા છે. મહારાષ્ટ્રનો નાશીક જિલ્લો ઉચ્ચ ગુણવતાયુક્ત ડુંગળી માટે પ્રખ્યાત છે પણ અહીં જ ડુંગળીના ભાવ પ્રતિકીલો રૂ. ૯૦ને પાર પહોંચ્યા છે.

જ્યારે કર્ણાટક અને રાજસ્થાનના અલવર જિલ્લાની લાલ ડુંગળીનું બજારમાં આગમન થશે ત્યારે જ ભાવમાં ઘટાડો નોંધાય તેવી શકયતા છે. જે રીતે વરસાદે ખાના ખરાબી સર્જી છે તેના કારણે પાકને ભારે નુકસાની સર્જાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યાં છે.

ડુંગળીની અછતને પહોંચી વળવા દુબઇ ખાતેથી ૩૦૦ ક્નટેનર મારફત ૧૨ હજાર ટન ડુંગળીની આયાત કરવામાં આવે તેવી વાતો હાલ સામે આવી રહી છે. આ ડુંગળીનો જથ્થો આગામી ૧૦ દિવસમાં મુંબઇના બંદર ખાતે આવી પહોંચશે તેવી માહિતી સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહી છે. પરંતુ જ્યાં સુધી આ ડુંગળી ભારત આવી ન પહોંચે અને તેને લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી ડુંગળી રડાવશે તેવું પણ હાલના સંજોગોમાં કહી શકાય.

એશિયાના સૌથી મોટા નિકાસકાર દેશે આયાત કરવાની ફરજ પડી

ભારતએ એશિયા ખંડમાં ડુંગળીની નિકાસ માટે સૌથી મોટો દેશ છે. ભારતની ડુંગળી મલેશિયા, શ્રી લંકા, બાંગ્લાદેશ, યુએઈ સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ભારતની લાલ, ગુલાબી અને સફેદ સહિતની ડુંગળી અનેક દેશોમાં નિકાસ કરવામાં આવે છે પરંતુ હવે ભારતે જ ડુંગળીની અછતની ખોટ પૂરવા આયાત કરવાની ફરજ પડી છે. ભારત દુબઇ ખાતેથી ૧૨ હજાર ટન ડુંગળીની નિકાસ કરવામાં આવનાર છે તેવું અગ્રિમ હરોળના ડુંગળીના નિકાસકાર દાનીશ શાહે જણાવ્યું છે. શાહે ઉમેર્યું છે કે, દુબઇ ખાતેથી આવનાર ડુંગળીના ભાવ પ્રતિકીલો રૂ. ૪૦ થી ૫૨ સુધી રહેશે. જેનાથી ભાવ નીચા જવાની શકયતા તો નહિવત છે પરંતુ અછતની ખોટ પુરી કરવામાં ઉપયોગી સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.