ઝરમર હેત વરસાવતા મેઘરાજા: સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં સવારથી મેઘકૃપા: હરીઘવા મેઈન રોડ પર બે વૃક્ષો ધરાશાયી, શાસક નેતાએ ફાયરની ટીમો દોડાવી
આગામી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી શહેરમાં મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહ્યાં છે. મેઘાવી માહોલ વચ્ચે કડાકા-ભડાકા સાથે શહેરમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં બપોરે વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે.
સાઈક્લોનિક સર્ક્યુલેશન, એક્ટિવ મોન્સુન અને ગુલાબ વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં આજથી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સવારથી રાજકોટમાં મેઘાવી માહોલ જામ્યો છે. બપોર સુધીમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 2 મીમી, વેસ્ટ ઝોન વિસ્તારમાં 5 મીમી અને ઈસ્ટઝોનમાં 3 મીમી વરસાદ પડ્યો હતો.
ગઈકાલે શહેરના ત્રણેય ઝોનમાં અનુક્રમે 8, 12 મીમી અને 8 મીમી વરસાદ પડ્યો હતો. આ સાથે ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં આજ સુધીમાં જૂના રાજકોટમાં 47 ઈંચ, નવા રાજકોટમાં 45॥ ઈંચ અને સામાકાંઠા વિસ્તારમાં 43 ઈંચ જેટલો વરસાદ પડ્યાનું નોંધાયું છે.
સામાન્ય વરસાદમાં પણ શહેરના કોઠારીયા રોડ પર વિસ્તારમાં હરીઘવા મેઈન રોડ પર બે સ્થળે વૃક્ષો ધરાશાયી થતાં શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાએ ફાયર બ્રિગેડને જાણ કરી ફાયરની બે ટીમો દોડાવી હતી. જો કે વૃક્ષ ધરાશાયી ધવાની ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.
આવતીકાલ અને બુધવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં આજ સુધીમાં સીઝનનો 83.51 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 87.63 ટકા, ઉત્તર ગુજરાતમાં 68.31 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 76.26 ટકા સૌરાષ્ટ્રમાં 93.14 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 82.79 ટકા વરસાદ પડ્યો છે.
ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં દરિયાઇ સપાટીથી 3.1 કિ.મી.ની ઉંચાઇ પર અને ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશમાં 4.5 કિ.મી. ઉચાર પર સજાયેલા સાયક્લોનીક સરક્યુલેશનની અસરના કારણે આજે વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છ આવતીકાલે નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ અને જૂનાગઢ બુધવારે સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર જૂનાગઢ અને દ્વારકા ઉપરાંત કચ્છ જિલ્લામાં જ્યારે ગુરૂવારે કચ્છ, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
રવિવારે છોટા ઉદેપુરના ક્વાંટમાં સાડા પાંચ ઇચ, ડીસામાં પાંચ ઇચ, ડભોઇ-ઝાલોદમાં ત્રણ ઇચ, હાલોલ, દાંતીવાડીમાં અઢી ઇચ વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં ગઇકાલે એંકદરે મેઘવિરામ જેવો માહોલ રહ્યો હતો. માત્ર છૂટા છવાયો વરસાદ પડ્યો હતો. આજે સવારથી રાજકોટ સહિત રાજ્યના 14 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.