અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ

નૈઋત્યનું ચોમાસુ ધીમી પરંતુ મક્કમ ગતીએ આગળ વધી રહ્યું છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 103 તાલુકાઓમાં વરસાદ પડ્યા બાદ આજે સવારથી સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ છવાયેલો છે. અમરેલીના સાવરકુંડલા અને ખાંભા તાલુકાઓમાં સવારે બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં સવારે જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. આગામી બે દિવસ છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.

શનિવારથી મેઘાનું જોર વધશે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 103 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સુરતના કામરેજ તાલુકામાં ચાર ઇંચ, આણંદમાં ચાર ઇંચ, ઉમરપાડામાં સાડા ત્રણ ઇંચ, કપડવંજમાં ત્રણ ઇંચ, ચાર્યાસીમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ગઇકાલે સૌરાષ્ટ્રમાં ભાવનગરના જેસર, રાજકોટના જસદણ, ભાવનગરના ગારિયાધારમાં અને ગીર ગઢડામાં એક-એક ઇંચ વરસાદ વરસ્યો હતો. મુળી અને સાયલામાં અર્ધા ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજ્યનાં 103 તાલુકાઓમાં ગઇકાલે મેઘકૃપા વરસી હતી. આજે સવારે આકાશમાં કાળાં ડિબાંગ વાદળોનો જમાવડો જામ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ ખીલી ઉઠ્યો હતો. સવારે બે કલાકમાં અમરેલીના સાવરકુંડલામાં અને ખાંભામાં બે-બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ભાવનગરના મહુવામાં એક ઇંચ, ગીર ગઢડામાં 18 મીમી, તળાજામાં 11 મીમી, વડીયામાં 10 મીમી, બગસરામાં 10 મીમી, કોડીનારમાં 9 મીમી, થાનગઢમાં 8 મીમી અને પાલીતાણામાં 7 મીમી સહિત કુલ 22 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સાર્વત્રીક વરસાદ પડે તેવી કોઇ સિસ્ટમ હાલ સક્રિય નથી. આગામી બે દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. હાલ ઓફ શોર ટ્રફ દક્ષિણ મહારાષ્ટ્રથી કેરળ સુધી છે અને રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. આગામી દિવસોમાં ચોમાસુ વધુ સક્રિય થશે. શનિવારથી વરસાદનું જોર વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.