ઈન્દ્રનીલ ઉપરાંત ડો.હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રહ્યા ગેરહાજર: સ્થાપના દિનની ઉજવણીમાં આંગળીના વેઠે ગણી શકાય એટલા ૩૪ કોંગ્રેસીઓ હાજર
દેશની સૌથી જુની રાજકીય પાર્ટી કોંગ્રેસ હાલ પોતાના અસ્તિત્વનું ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. આજે કોંગ્રેસના સ્થાપના દિનની ઉજવણી નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે રાખવામાં આવેલા ધ્વજવંદન કાર્યક્રમ ખુદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરુ ગેરહાજર રહેતા કાર્યક્રમોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી. ગઈકાલે સ્થાપના દિનની ઉજવણી માટે ઈન્દ્રનીલે જ તમામ સેલને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું અને આજે ઉજવણીમાં ખુદ જ ગેરહાજર રહેતા કાર્યકરો પણ આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. માત્ર ઈન્દ્રનીલ જ નહીં પ્રદેશ મહામંત્રી ડો.હેમાંગ વસાવડા અને જશવંતસિંહ ભટ્ટી સહિતના ધુરંધર ગેરહાજર રહ્યા હતા માત્ર આંગળીના ટેરવે ગણી શકાય તેટલા ૩૪ કોંગી કાર્યકરો જ ઉજવણીમાં સામેલ થયા હતા.
કોંગ્રેસના સ્થાપના દિન નિમિતે આજે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ માટે કોંગ્રેસના અલગ-અલગ મોરચાના હોદેદારો અને કાર્યકરોને હાજર રહેવા માટે પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરુ અને કાર્યકરી પ્રમુખ મહેશ રાજપુતે આમંત્રણ પાઠવ્યું હતું. જોકે આજે સવારે ૯:૩૦ કલાકે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં માત્ર ૩૪ કોંગીજનો હાજર રહ્યા હતા. આટલું જ નહીં જેના પર આખા શહેર કોંગ્રેસને ચાલવાની જવાબદારી છે તે પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરુ જ ગેરહાજર રહેતા કાર્યકરોમાં ભારે આશ્ચર્ય ફેલાઈ ગયું હતું.
પ્રદેશ અગ્રણી ડો.હેમાંગભાઈ વસાવડા અને જશવંતસિંહ ભટ્ટીએ ઉજવણીમાં સામેલ થવાની તસ્દી લીધી ન હતી. એક તરફ કોંગ્રેસના નેતાઓ પક્ષને ફરી બેઠો કરવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ પક્ષના સ્થાપનાદિન જેવા પ્રસંગમાં પણ પોતે હાજરી આપી શકતા નથી. સંગઠનની વાત તો દૂર રહી જો તમામ કોર્પોરેટરો સ્થાપના દિનની ઉજવણીમાં હાજરી આપે તો આ સંખ્યામાં આંક પણ ૩૩ પહોંચી જાય તેમ છે. શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુતના લેટરપેડ પર મોકલવામાં આવેલી અખબારી યાદીમાં સ્થાપનાદિન નિમિતેયોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં માત્ર ૩૪ જ લોકો ઉપસ્થિત રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલું કોંગ્રેસમુકત ભારતનું સુત્ર જાણે સાર્થક થવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણકે જયારે ધ્વજવંદન માટે ધ્વજ લગાવવામાં આવ્યો ત્યારે આ ધ્વજ પણ નીચે ખાબકયો હતો. આ વાત પરથી એવું ફલિત થાય છે કે કોંગ્રેસ હવે કયારેય કોમામાંથી બહાર નિકળી શકે તેવું દેખાતું નથી.