ગુજરાતમાં શિયાળો બરાબરનો જામ્યો છે. પરંતું આ વચ્ચે વરસાદે દસ્તક આપી છે. ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી આવી છે. જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે. ભર શિયાળે રાજ્યમાં વાદળો ઘેરાયા છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. હિમવર્ષા અને માવઠાના કારણે ગુજરાતભરમાં ડિસેમ્બરના અંતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ આવશે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ માવઠું, જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે, કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે. હવામાનના લેટેસ્ટ અપડેડની વાત કરીએ તો, રાજ્યનાં 14 શહેરમાં તાપમાન ગગડયું છે.
પૂર્વ ઉત્તર પૂર્વના પવનો હોવાથી ઘટશે તાપમાન: 14 શહેરોમાં તાપમાન 17 ડિગ્રીથી નીચેે: નલિયાનું 12.6 જયારે રાજકોટનું 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન
નલિયામાં સૌથી ઓછું 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 16.6, ગાંધીનગરમાં 14.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમા. 15.2, સુરેન્દ્રનગરમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.આજથી તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટવાની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે, 3 દિવસ બાદ તાપમાનનો પારો 1 થી 2 ડિગ્રી ગગડશે. આ સાથે તેમણે કહ્યું કે, હાલ રાજ્યમાં મહત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રહશે, આગામી 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્વનું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. પૂર્વ ઉત્તર પૂર્વ પવનો હોવાથી વાદળછાયું વાતાવરણ રહેશે.
રાજ્યના હવામાનમાં 23મી પછી મોટાપાયા પર ફેરફાર થઈ શકે છે. ઉત્તર ભારતમાં મોટાપાયા પર માવઠું ત્રાટકી શકે છે. તેના લીધે ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 23મી ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું ત્રાટકી શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટાપાયા પર ફેરફાર થઈ શકે છે. તેના પછી ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વખતે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો ચાલુ રહે તેમ માનવામાં આવે છે.