બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી: રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના ઘણા ખરા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શકયતા
ગુજરાતમાં કોરોનાના હાહાકાર વચ્ચે વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરતા નાગરિકોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેવાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજકોટ,જૂનાગઢ, સુરેન્દ્રનગર, ઉત્તર ગુજરાત, સુરત, વલસાડ, તાપી સહિતના જિલ્લામાં વરસાદની શકયતા સેવાઈ રહી છે. આજે કંડલા, ભરૂચ અને બરોડામાં સામાન્ય ઝાપટા તેમજ સામખીયાળીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. તેમજ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં ખોખરા હાટકેશ્ર્વર, અમરાઈવાડી, રામોદ, જશોદાનગર, મણીનગર અને ઈશનપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. રાજકોટના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો હતો.
રાજ્યના વાતાવરણને લઈ હવામાન વિભાગે સાઈકલોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સર્જાતા વાતાવરણમાં પલ્ટો જોવા મળે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ૨૫ માર્ચ એટલે કે આજે ઉત્તર ગુજરાત અને દ.ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના ઘણા ખરા વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવવાની શકયતા વર્તાઈ રહી છે.
ભર ઉનાળા ગુજરાતના કેટલાક ભાગોમાં આજે હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા જેને લઈ જગતો તાત ચિંતામાં મુકાયો છે.
ભર ઉનાળે ગુજરાતના કેટલાક વિભાગમાં વરસાદ થતાં ઘઉં અને જીરૂના પાકને વ્યાપક નુકશાન થયું છે. કચ્છના વાતાવરણમાં આજે સવારથી પલ્ટો આવતા વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને કંડલામાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન સાથે બે દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પડી શકે છે.