આજે સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે સર્વત્ર વાદળછાયુ વાતાવરણ: અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ
ઘોઘા અને વલ્લભીપુરમાં અઢી ઇંચ, મહુવા અને ખંભાળિયામાં બે ઇંચ, ચુડા, મુળી, જેતપુર, સાવરકુંડલામાં દોઢ ઇંચ, લખતર, ધોરાજી, ભાવનગરમાં એક ઇંચ વરસાદ
સૌરાષ્ટ્રમાં સતત પાંચ દિવસથી મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે. આજે રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. સર્વત્ર વરસાદી વાતાવરણ છવાયેલું છે. અનેક સ્થળોએ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઇ રહ્યા છે. ગઇકાલે સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. જગતાત હોંશભેર વાવણી કાર્યમાં પરોવાઇ ગયો છે.
હજુ ચાર દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ચોમાસાના આરંભે જ મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા ખુશાલીનો માહોલ છવાઇ ગયો છે. જળાશયોમાં પણ પાણીની આવક થઇ રહી છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાની અસરના કારણે પ્રથમ રાઉન્ડમાં જ મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો હતો. દરમિયાન બીજા રાઉન્ડમાં મેઘરાજાએ મોલાત પર કાચુ સોનું વરસાવી રહ્યા છે. સતત પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે.
ગઇકાલે સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઇ અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આજે સવારથી સર્વત્ર વરસાદી વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે. આજે સૌરાષ્ટ્રના છ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે. ગઇકાલે ભાવનગર જિલ્લાના ઘોઘા અને વલ્લભીપુરમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે મહુવા અને ખંભાળિયામાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો.
સાવરકુંડલા, લાઠી, ચુડા, મુળી અને જેતપુરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે લખતર, ધોરાજી, ભાવનગર અને બોટાદમાં એક ઇંચ, બરવાળા, રાણપુર, માળીયા મિંયાણા, હળવદમાં પોણો ઇંચ, લીંબડી, વઢવાણ, મેંદરડા, સુત્રાપાડા, તાલાલા, ઉમરાળામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. આજે સવારે કચ્છના મુંદ્રા ઉપરાંત પોરબંદરના કુતિયાણા, જૂનાગઢના કેશોદ, રાજકોટના ગોંડલ, મોરબી, જૂનાગઢ, જામકંડોરણા, માંગરોળ, જાફરાબાદ, તાલાલા, કોડિનાર, ધ્રોલ અને ઉના પંથકમાં હળવા ઝાપટા વરસ્યા હતા.
આજે રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આજ સુધીમાં સિઝનનો 21.73 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.
15 ડેમની જળ સપાટીમાં 3 ફૂટ સુધીનો વધારો
આજી-2 ડેમના ચાર દરવાજા, મચ્છુ-3નો એક દરવાજો ખૂલ્યો
સૌરાષ્ટ્ર-કચ્છમાં અવિરત મેઘકૃપા વરસી રહી છે. જેના કારણે જળાશયોનો જળવૈભવ સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 15 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. છલકાતા નદી-નાળાના કારણે જળાશયોમાં પાણીની આવક થઇ રહી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લાના આજી-3 ડેમમાં 1.05 ફૂટ, ન્યારી-2 ડેમમાં 0.16 ફૂટ, મોતીસર ડેમમાં 3.28 ફૂટ, લાલપરીમાં 0.98 ફૂટ પાણીની આવક થવા પામી હતી.
મોરબી જિલ્લાના મચ્છુ-1 ડેમમાં 0.20 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.30 ફૂટ અને બ્રાહ્મણી ડેમમાં 0.98 ફૂટ, જામનગર જિલ્લાના ફૂલઝર-1 ડેમમાં 1.97 ફૂટ, ડાઇ મીણસરમાં 0.52 ફૂટ, વાડીસંગ ડેમમાં 2.66 ફૂટ, રૂપારેલમાં 0.33 ફૂટ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘી ડેમમાં 0.66 ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-1 (નાયકા)માં 0.30 ફૂટ, વઢવાણ ભોગાવો-2 (ધોળીધજા)માં 0.72 ફૂટ અને ફલકુમાં 0.16 ફૂટ, પાણીની આવક થવા પામી છે. આજી-2 ડેમમાં ચાર દરવાજા 0.457 મીટર જ્યારે મચ્છુ-3 ડેમનો 1 દરવાજો 0.9146 મીટર ખૂલ્યા છે.