Abtak Media Google News
  • છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ પોરબંદરમાં 17 ઈંચ, કલ્યાણપુરમાં 12 ઈંચ
  •  વેરાવળ-કેશોદ અને વથલીમાં 10 ઈંચ જયારે માણાવદર, સુત્રાપાડામાં સાત ઈંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી
  • પ્રાચીનું માધવરાય મંદિર પાણીમાં ડુબ્યુ

ગીર સોમનાથ જિલ્લામાં શ્રીકાર વર્ષાને કારણે જિલ્લો આખો પાણી પાણી થયો છે. ત્યારે ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસતા જિલ્લાની મોટાભાગની નદીઓ ગાંડીતુર બની છે. પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદી કે જે નદીના પટ માં ભગવાન માધવરાય પ્રભુ લક્ષ્મીજી સાથે બિરાજે છે. જે મંદિર આવેલું છે તે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા માધવરાય પ્રભુનું મંદિર પૂર્ણ કક્ષાએ ડૂબી ગયું છે. અને ભગવાન માધવરાય જળમગ્ન થયા છે. તો માધવરાય પ્રભુની સાથે અહીં પૌરાણિક “મોક્ષ પીપળો” આવેલો છે. મોક્ષ પીપળાના મૂળ સુધીમાં સરસ્વતી નદીના જળ ચરણ સ્પર્શ કરવા પહોંચી ગયા હતા. ત્યારે ગઈકાલે દેવ પોઢી એકાદશી હોય .એ માન્યતા છે. કે. ભગવાન ચાતુર્માસ શયન કરે છે. ત્યારે યોગાનું યોગ સરસ્વતી નદીમાં ભગવાન માધવરાય જળમગ્ન થયા છે. અને બીજું પુર હોવાથી હવે નદી સુકાય તેવા કોઈ સંજોગો નથી. ત્યારે દિવાળી સુધી ભગવાન માધવરાય જળમાં શયન કરશે. તેના દર્શન પણ દિવ્ય હોય છે. ત્યારે પ્રાચી તીર્થનો અલભ્ય નજારો જોઈ અને ભાવિકો પણ ધન્ય બની રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં મેઘમહેર થઇ હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પોરબંદરમાં 17 ઈંચ અને કલ્યાણપુરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો કેશોદ અને વંથલીમાં છેલ્લા બે કલાકમાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. સવારથી સૌરાષ્ટભરમાં મેઘાવી માહોલ સર્જાયો છે. ગીર સોમનાથના પાટણ વેરાવળમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના કેશોદમાં પોણા આઠ ઈંચ, જૂનાગઢના વંથલીમાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા છ ઈંચ, જૂનાગઢના માણાવદરમાં સાડા છ ઈંચ, પોરબંદરના કુતિયાણામાં પોણા છ ઈંચ, જામનગરના જામજોધપુરમાં પોણા છ ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉપરાંત જૂનાગઢના વિસાવદરમાં પોણા પાંચ ઈંચ, જૂનાગઢના માંગરોળમાં પોણા પાંચ ઈંચ, રાજકોટના ઉપલેટામાં પોણા પાંચ ઈંચ, જૂનાગઢના માળીયાહાટીનામાં સાડા ચાર ઈંચ, રાજકોટના ધોરાજીમાં સવા ચાર ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં ચાર ઈંચ, જામનગરના કાલાવડમાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢ શહેર, તાલુકામાં સાડા ત્રણ ઈંચ, અમરેલીના ખાંભામાં સવા ત્રણ ઈંચ, ગીર ગઢડામાં ત્રણ ઈંચ, અમરેલીના કુકાવાવમાં ત્રણ ઈંચ, ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચ, જૂનાગઢના મેંદરડામાં ત્રણ ઈંચ, દ્વારકાના ભાણવડમાં અઢી ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, ભાવનગરના શિહોરમાં અઢી ઈંચ, અમરેલીના બગસરામાં સવા બે ઈંચ, ગીર સોમનાથના ઉનામાં સવા બે ઈંચ, જામનગરના ધ્રોલમાં સવા બે ઈંચ, દ્વારકાના ખંભાળીયામાં બે ઈંચ, વલસાડના ઉમરગામમાં બે ઈંચ, દ્વારકા તાલુકામાં પોણા બે ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં પોણા બે ઈંચ, નવસારીના જલાલપોરમાં દોઢ ઈંચ, મોરબી તાલુકામાં દોઢ ઈંચ, રાજકોટના જેતપુરમાં દોઢ ઈંચ, મોરબીના ટંકારામાં દોઢ ઈંચ, કચ્છના ભૂજમાં દોઢ ઈંચ, નવસારી, જામકંડોરણા, ગણદેવી, જાફરાબાદમાં સવા ઈંચ ધારી, ગોંડલ, સાવરકુંડલા, એક એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

કલ્યાણપુર તાલુકામાં 12 ઈંચથી આભા ફાટ્યા જેવી સ્થિતિ

બીજી  તરફ દ્વારકા કલ્યાણપુર તાલુકામાં આભા ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. ધોધમાર વરસાદે જન જીવન પ્રભાવિત કર્યું છે. કલ્યાણપુર તાલુકામાં વરસાદે કહેર વર્તાવ્યો છે. ભાટિયામાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ભાટિયા આસપાસ વિસ્તારોમાં બારે મેઘ ખાંગા છે. 24 કલાકમાં કલ્યાણપુર પંથકના ખાબકેલા 12 ઇંચ વરસાદથી ચારે તરફ પાણી પાણી થઇ ગયું છે.

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આજે ભારે, મધ્યમ અને કેટલાક સ્થળોએ છૂટ્ટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પાટણ, જામનગર, રાજકોટ, ભાવનગર, સાબરકાંઠામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસાદની આગાહી કરાઇ છે. આ ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા,સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.જ્યારે અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવા વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. આજે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે તો પાંચ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને વલસાડ માટે હવામાન વિભા રેડ એલર્ટ જાહેર કર્યુ છે. તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથની સાથે દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યના દસ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. કચ્છ, જામનગર, રાજકોટ, ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે તો ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.