અબતક, રાજકોટ
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આવતીકાલથી બે દિવસ મેઘકૃપા વરસશે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ઉત્તર-પશ્ર્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત રાજસ્થાન અને કચ્છના અખાતમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. મોનસુન રૂફ નોર્મલ પોઝીશનથી દક્ષિણ દિશા તરફ છે. જેની અસરના કારણે રાજ્યમાં આગામી બે દિવસ સાર્વત્રિક બે થી લઇ પાંચ ઇંચ સુધી વરસાદ પડી શકે છે. અમુક છૂટા છવાયા વિસ્તારોમાં પાંચથી દશ ઇંચ સુધી વરસાદની પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર ઉત્તર-પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં દક્ષિણ ઓરિસ્સા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લો-પ્રેશર સર્જાયુ છે. જે ઉત્તર-પશ્ર્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. જેની અસર આગળ તળે ઓરિસ્સા, છતીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં સારો વરસાદ પડશે. આવતીકાલે બુધવારે અને ગુરૂ વારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યના સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. શ્રીકાર ૨ થી ૫ ઇંચ વરસાદ પડશે. આ ઉપરાંત અમુક છૂટા છવાયા વિસ્તારોમાં પાંચથી લઇ ૧૦ ઇંચ સુધી વરસાદ પણ પડી શકે છે.
આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે પડે, આણંદ દાહોદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દિવમાં ભારે જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. પવનની સરેરાશ ઝડપ ૪૦ થી ૬૦ કિ.મી. સુધી રહ્યાની સંભાવના છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના દમણ, દાદરાનગર હવેલી, વલસાડ, સૌરાષ્ટ્રના અમરેલી ગીર સોમનાથ અને દિવમાં ભારેથી અતિભારે જ્યારે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદ અને ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ, દિવ, દમણ, દાદરાનગર હવેલીમાં ૪૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે.
જ્યારે ગુરૂ વારના રોજ ખેડા, વડોદરા, ગીર સોમનાથમાં અતિભારે, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને દિવમાં ભારે વરસાદ અરવલ્લી મહિસાગર, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, મોરબી અને રાજકોટ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારથી વરસાદનું જોર થોડુ ઘટશે, શુક્રવારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, ભરૂ ચ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.
કોટડા સાંગાણીમાં ત્રણ ઇંચ: ધ્રાંગધ્રા અને ગઢડામાં બે ઇંચ વરસાદ
રાજ્યના ૧૨૧ તાલુકાઓમાં મેઘમહેર: સવારથી ચાર તાલુકાઓમાં વરસાદ
લોકલ ફોર્મેશનના કારણે રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં મેઘકૃપા વરસી રહી છે. ગઇકાલે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીમાં એક જ કલાકમાં અનરાધાર ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતી સર્જાય જવા પામી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં અને બોટાદ જિલ્લાના ગઢડામાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૧ જિલ્લાના ૧૨૧ તાલુકાઓમાં મેઘકૃપા વરસી હતી. સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં ૮૪ મીમી વરસ્યો હોવાનું નોધાયું છે. ગઇકાલે સાંજ રાજકોટ જિલ્લા કોટડા સાંગણીમાં એક જ કલાકમાં સાબેલાધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. સર્વત્ર પાણી-પાણી થઇ જવા પામ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. લીંબડીમાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લામાં પણ મેઘ મહેર રહ્યા પામી હતી.
કોટડા સાંગાણીમાં ત્રણ ઇંચ ઉપરાંત ધોરાજીમાં પોણો ઇંચ, ગોંડલ અને ઉપલેટામાં અર્ધો ઇંચ વરસાદ પડ્યો હતો. મોરબી જિલ્લાના માળીયા મીંયાણામાં દોઢ ઇંચ, જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં એક ઇંચ, વિસાવદરમાં અર્ધો ઇંચ, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં એક ઇંચ, કોડીનારમાં અર્ધો ઇંચ, વેરાવળમાં અર્ધો ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં શ્રીકાર વર્ષા થવા પામી હતી. રાજુલામાં એક ઇંચ, બાબરા, જાફરાબાદ, લાઠીમાં પોણો ઇંચ અમરેલી, બગસરા, ધારીમાં અર્ધો ઇંચ વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લામાં ગઢડામાં બે ઇંચ પાણી પડ્યું હતું. આજે સવારથી રાજ્યના ચાર તાલુકામાં વરસાદ પડી રહ્યાનું નોંધાયું છે.