શહેરમાં વિવિધ વિસ્તારમાં આંશિક પાણી કાપ ઝીંકાયો

એક તરફ ઉનાળો ચાલી રહ્યો છે તો બીજી બાજુ કોર્પોરેશન પાણીકાપ મૂકીને શહેરીજનોને પરસેવે નવડાવવાની તૈયારી કરી રહ્યું છે. વાત એવી  છે કે  આજે  નર્મદા પમ્પીંગ સ્ટેશન ઉપર જેટકોનું શટડાઉન હોવાથી નર્મદા કેનાલનું પાણી મળશે નહીં તથા જામનગરમાં ગુરુદ્વારા વિસ્તારમાં ઓવરબ્રિજના કારણે પાણીની મુખ્ય લાઈન શિફ્ટીંગ કરવામાં આવતા તેનું જોડાણનું કામ કરવામાં આવનાર છે. આથી નવાગામ (ઘેડ), બેડી, સોલેરિયમ, સમર્પણ અને રણજીતનગર ઝોનના વિસ્તારોમાં રહેતા દોઢ લાખ ઘરોમાં પાણી વિતરણ થશે નહીં.

આજે નર્મદા પમ્પીંગ સ્ટેશન ઉપર જેટકો શટડાઉન હોવાથી જામનગર શહેરને નર્મદા કેનાલમાંથી મળતું પાણી બંધ રહેવાના કારણે તથા ખીજડિયા ફિલ્ટર પ્લાન્ટમાંથી જામનગર શહેરમાં જુદા જુદા ઈ.એસ.આર. / ઝોનમાં પાણી પૂરૃં પાડતી મુખ્ય પાઈપલાઈન ગુરુદ્વારા સર્કલ પાસે ઓવરબ્રિજના કામમાં નડતરરૂપ હોય જે મુખ્ય પાણીની પાઈપલાઈન શિફ્ટીંગ કરવામાં આવેલ છે. તેનું જોડાણ કામ  કરવામાં આવનાર છે.

જેથી નવાગામ (ઘેડ), બેડી, સોલેરિયમ, સમર્પણ, રણજીતનગર ઝોન વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. ત્યારપછી પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે તથા બીજા દિવસે રૃટીન લગત ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે.

તો આ મુદ્દે વોટર વર્કસ શાખાના ડેપ્યુટી એન્જિનિયર નરેશ પટેલનું કહેવું છે કે જામનગર શહેરના ગુરૂદ્વારા સર્કલ પાસે ઓવરબ્રિજના કામમાં પાણીની મેઈન લાઈન નડતરરૂપ હોય તેને ખસેડવાની કામગીરી કરવામાં આવશે. જેના કારણે શહેરના ચોક્કસ વિસ્તારમાં પાણી વિતરણ   બંધ રહેશે જે બાદ બીજા દિવસથી રૂટીન વિતરણ ચાલુ થઈ જશે.

જામનગરના નવા ભળેલા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવી, જે જગ્યાએ કામ ચાલુ હોય ત્યાં વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવી, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, જે વિસ્તારોમાં વધારે પાણીની જરૂરિયાત જણાય ત્યાં વ્યવસ્થા કરવી તેમજ લોકોની કોઈ સમસ્યાઓ હોય તો તેનો નિકાલ લાવવા અંગે મંત્રીએ લગત અધિકારીઓને સૂચના આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.