રાજસ્થાનમાં ચૂંટણી ટાણે જ પંજાબવાળી સર્જાવાની ભીતિ, જો પાયલોટ બળવો કરે તો કોંગ્રેસને નુકસાન સહન કરવાનો વારો આવી શકે
ચૂંટણીના વર્ષમાં રાજસ્થાનમાં પંજાબ વાળી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હાલની સ્થિતિ પ્રમાણે કોંગ્રેસ ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. કારણકે સચિન પાયલોટ નવો પક્ષ રચે તેવી શકયતા સેવાઈ રહી છે. આ અંગે પાયલોટે સંકેતો પણ આપી દીધા છે.
કોંગ્રેસમાં પરસ્પર ખેંચતાણ બાદ હાઈકમાન્ડના સમાધાનના પ્રયાસો પણ નિષ્ફળ ગયા છે. સાડા ચાર વર્ષથી કોંગ્રેસના આંતરિક રાજકારણમાં જોડાયેલા પાયલોટ હવે પાર્ટીને અલવિદા કહેવા જઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે સચિન પાયલટ નવી પાર્ટી શરૂ કરીને રાજસ્થાનના રાજકારણમાં મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે. તેઓ 11મી જૂને પાર્ટીની જાહેરાત કરી શકે છે.
આ પહેલા દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડે સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે સમાધાનનો દાવો કર્યો હતો. જો કે, બંધ દરવાજા પાછળ થયેલ કથિત સમાધાન સફળ રહ્યું ન હતું. તાજેતરમાં પાયલોટે ખુલ્લેઆમ કહ્યું હતું કે તેણે આ મુદ્દાઓ પર હાર માની નથી. તેઓ મક્કમ છે. તેણે ગયા મહિને અજમેરથી જયપુર સુધી 5 દિવસની વોક લીધી હતી. છેલ્લા દિવસ મોટી સભામાં ત્રણ માંગણીઓને ધ્યાનમાં રાખીને 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ અલ્ટીમેટમ પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી અને પાયલટ બંનેને દિલ્હી બોલાવ્યા હતા. આ પછી સમાધાનનો દાવો કર્યો હતો. પરંતુ હાઈકમાન્ડના દાવાથી વિપરીત પાયલોટે નિવેદનો ચાલુ રાખ્યા હતા.
સચિન પાયલટે ગુરુવારે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. રાજકીય વર્તુળોમાં આ વીડિયોની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે પાયલટે પોતાની નવી પાર્ટીની રચના અંગે સંકેત આપવાનો પ્રયાસ કર્યો હતો. પાયલોટે આ વીડિયો પર કેપ્શન આપ્યું છે, ‘મનમાં આશા છે, દિલમાં વિશ્વાસ છે, અમે મજબૂત રાજસ્થાન બનાવીશું, જ્યારે લોકો સાથે હશે’. આ વીડિયોમાં પાયલોટ રાજસ્થાનના લોકો સાથે જોવા મળી રહ્યા છે. આ સિવાય આ વીડિયોમાં ન તો કોંગ્રેસ સાથે જોડાયેલો કોઈ નેતા દેખાઈ રહ્યો છે કે ન તો પાર્ટીનું ચૂંટણી ચિહ્ન. પાયલોટના આ વીડિયોને લઈને રાજસ્થાનના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.
પાયલોટ 11 જૂને નવી પાર્ટીની જાહેરાત કરે તેવી સંભાવના
સચિન પાયલટને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે 11 જૂને પાઈલટ કોઈ મોટું પગલું ભરી શકે છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પાયલટ નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, પાયલટ પ્રશાંત કિશોરની ચૂંટણી મેનેજમેન્ટ કંપની આઇપેકના સંપર્કમાં છે. આ કંપની પાયલટ માટે નવી પાર્ટી બનાવવાની રણનીતિ પર કામ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાયલટ પોતાની નવી પાર્ટી માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે.
પાયલોટને ગુર્જર સમુદાયનો સ્પોર્ટ, 30 બેઠકોમાં આ સમુદાય નિર્ણાયક
સચિન પાયલોટને રાજસ્થાનમાં ગુર્જર સમુદાયનો સ્પોર્ટ છે. આ સમુદાય મોટી સંખ્યામાં રાજસ્થાનમાં વસવાટ કરે છે. આ સમુદાય 30થી 35 વિધાનસભા બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવે છે. આ સમુદાયના મોટાભાગના લોકો પાયલોટના સમર્થનમાં હોવાનું રાજકીય નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
રાજસ્થાનનું જ્ઞાતિ આધારિત રાજકારણ કેવું છે ?
રાજસ્થાનના જ્ઞાતિ આધારિત રાજકારણમાં નજર કરીએ તો જાટ સમુદાયની વસ્તી 9 ટકા છે. તેઓ 37 બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવે છે. ઉપરાંત મિણા સમુદાય પણ અનેક બેઠકોમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જ્યારે રાજપૂત સમુદાય 6 ટકા વસ્તી ધરાવે છે. અને તે 17 બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવે છે.