કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટસએપ પાસેથી ખુલાસો આપવા તાકીદ કરી
દેશમાં જે રીતે સૌથી મોટો સાયબર અટેક થયો તે બાદ સોશિયલ મિડીયા પર સંકટનાં વાદળો ઘેરાયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ શાબ્દિક યુઘ્ધો શરૂ થઈ ગયા છે. કોંગ્રેસ પ્રવકતા તથા વોટસએપનાં અધિકૃત સુત્રની માહિતી મુજબ કોંગ્રેસનાં રાજકીય અને અન્ય રાજકીય પક્ષોનાં નેતાનાં વોટસએપ એકાઉન્ટ હેક થયા હોવાની માહિતી આપવામાં આવી હતી જેમાં પ્રિયંકા ગાંધીનું પણ નામ સામે આવ્યું હતું. આ તકે કેન્દ્ર સરકારે વોટસએપને તાકીદ કરી છે કે, જે રીતનાં દેશભરમાં ખુલાસાઓ થઈ રહ્યા છે તેનો જવાબ વહેલાસર આપે. કયાંકને કયાંક સોશિયલ મિડીયાનો અતિરેક પણ સાયબર અટેકનું કારણ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ જે રીતે લોકોને પ્રાયવસી આપવાની વાત કરી રહ્યું છે તેનાથી લોકો ભ્રમિત થઈ તેમની તમામ મહત્વપૂર્ણ મુદાઓ સોશિયલ મિડીયા પ્લેટફોર્મમાં આપી દેતા હોય છે જેનાથી ખતરો પણ એટલો જ વધી જતો હોય છે. સોશિયલ મિડીયા વાયરસ જે રીતે વાયરલ થઈ રહ્યું છે તેને ડામવા સરકારે યોગ્ય પગલા ભરવા પડશે જો આ મુદ્દે કોઈપણ કચાશ રહી જશે તો તેની સીધી અસર લોકો પર પડે તેવી સંભાવના સેવાઈ રહી છે.
સરકાર દ્વારા વોટસએપને જે તાકીદ કરવામાં આવી છે અને તે મુજબ જો સોશિયલ મિડીયા પ્લેટફોર્મ વોટસએપ યોગ્ય માહિતી નહીં પુરી પાડે તો ભારતમાં વોટસએપ પર બેન લાગી જાય તેવો પણ ખતરો ઉભો થયો છે. વોટ્સએપે રવિવારે કહ્યું કે તેમણે ભારત સરકારને સપ્ટેમ્બરમાં જ પીગાસસ સ્પાયવેર વિશે એલર્ટ કર્યું હતું.આઇટી મંત્રાલયે કહ્યું કે અમને જે જાણકારી આપવામાં આવી તે સ્પષ્ટ ન હતી. આ પહેલા વોટ્સએપે કહ્યું હતું કે ઇઝરાયેલના સ્પાયવેર પીગાસસથી ૧૨૧ ભારતીય યુઝર્સની જાસૂસી કરવામાં આવી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીનો ફોન પણ હેક કરવામાં આવ્યો છે. વોટ્સએપે ગુરૂવારે ઈઝરાયેલના સ્પાયવેરની મદદથી દુનિયાભરમાં લગભગ ૧૪૦૦ વોટ્સએપે યુઝર્સના ફોનની જાસુસી થઇ હોવાની ખાતરી કરી હતી. તેમાં પત્રકારો અને માનવાધિકાર કાર્યકર્તાઓ સામેલ છે. સરાકરે મામલો સામે આવ્યા બાદ કંપની પાસેથી રિપોર્ટ માગ્યો હતો.
ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી કહ્યું કે જાસૂસી મામલા પર સરકારે સવાલોનો જવાબ આપ્યો છે. આઇટી મંત્રાલયના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે વોટ્સએપ પાસેથી જે જવાબ તેમને મળ્યો છે તેનો અભ્યાસ ચાલુ છે. વોટ્સએપના સૂત્રોએ કહ્યું કે કંપનીએ સપ્ટેમ્બરમાં જ સરકારને રિપોર્ટ સોંપી દીધો હતો. આ પહેલા મે મહિનામાં સરકારને જાસૂસીની જાણકારી આપવામાં આવી હતી. આ બીજી વખત છે જ્યારે સરકારને તેની જાણકારી આપવામાં આવી હોય. વોટ્સએપે કહ્યું હતું કે તે ઈઝરાયેલની ગુપ્ત કંપની એનએસઓ ગ્રુપ પર કેસ કરશે. આ કંપનીએ વિશ્વભરના કુલ ૧૪૦૦ યુઝર્સના ફોનને હેક કરવામાં મદદ કરી છે. તેમાં રાજકીય નેતાઓ, અસંતુષ્ટ નેતાઓ, પત્રકારો અને વરિષ્ઠ સરકારી અધિકારી સામેલ છે.
જોકે એ નથી જણાવ્યું કે તેમની જાસૂસી કોના ઇશારા પર કરવામાં આવી. વોટ્સએપે જણાવ્યું કે મે મહિનામાં ભારતના અમુક યુઝર્સની પ્રાઇવેસી સાથે ચેડા થવાની સૂચના મળી હતી. ત્યારબાદ તરત કાર્યવાહી શરુ કરવામાં આવી. અમે તે ૧૪૦૦ યુઝર્સને સ્પેશલ મેસેજ મોકલ્યો કે તેઓ કોઇ સ્પાયવેર એટેકના પ્રભાવમાં આવ્યા હોય તો તેની સૂચના તાત્કાલિક કંપનીને આપે. ત્યારબાદ ઘણા ભારતીય સામાજિક કાર્યકર્તાઓએ મેસેજ મળવાની ખાતરી કરી.વોટ્સએપના સમગ્ર વિશ્વમાં દોઢ અબજ યુઝર્સ છે અને ભારતમાં ૪૦ કરોડ યુઝર્સ છે.
દેશમાં થયેલા સૌથી મોટા સાયબર હુમલા બાદ કોંગ્રેસની બે પાર્લામેન્ટરી પેનલ આ સાયબર હુમલા અંગે અભ્યાસ કરશે. વોટસએપનાં અધિકૃત અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તે ઈઝરાયલની એનએસઓ કંપની વિરુઘ્ધ પણ ફરિયાદ દાખલ કરી તે દિશામાં યોગ્ય પગલા લેશે. વોટસએપનાં જણાવ્યા અનુસાર તેઓએ સાયબર હુમલા પહેલા મે માસમાં જ નામાંકિત લોકોને તાકીદ કરી માહિતી આપી હતી જેમાં રાજકીય લોકો, આરટીઆઈ એકટીવીસ્ટ, પત્રકારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તકે સુરજેવાલાએ એ પણ દાવો કર્યો હતો કે કયા કયા ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ નેટવર્ક પેગાસસ દ્વારા કરપ્ટ કરવામાં આવ્યા હતા તેની જાણકારી પણ કોંગ્રેસ પાસે છે. કોંગ્રેસે દાવો કર્યો હતો કે આ જાસૂસી પ્રકરણમાં સુપ્રીમ કોર્ટ, સંસદ અને રાજ્ય સરકારો પણ બાકી રાખવામાં આવ્યા નથી. તેમણે જણાવ્યું કે, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર આ નેશનલ ઇન્ટરનેટ બેકબોન પર ચાલે છે જે બીએસએનએલ અને વીએસએનએલ સંચાલિત કરે છે. ત્યાં પણ પેગાસસ સ્પાયવેર જોવા મળ્યું હતું.
ફ્રી ના ઓઠાં હેઠળ રૂપીયા “ઉસેળતું સોશિયલ મીડિયા..!
વોટ્સઅપ ફ્રી, લિંકડ ઇન ફ્રી, ફેસબુક ફ્રી યુ ટ્યુબ ફ્રી ! હકિકતમાં આ બધી ઉપભોક્તાઓને ફ્રી માં આપવામાં આવેલી ગેર સમજણો છે. આ પૄથ્વી ઉપર એવી કોઇ વસ્તુ નથી જે ફ્રી માં અપાતી હોય. આપણા દેશમાં સોશ્યલ મિડીયાનાં આગમનને એક દાયકો થયો. આજે ખાલી વોટસ એપની જ વાત કરીએ તો, વિશ્વભરમાં તેના દોઢ અબજ અને માત્ર ભારતમાં ૪૦ કરોડ જેટલા વોટ્સએપ ઉપભોક્તા છે. આ ઉપભોક્તા એકવાર વોટસઅપના નેટવર્ક સાથે જોડાય પછી ભાગ્યે જ તે છોડીને જવાના છે. મતલબ કે આ ઉપભક્તા કોઇપણ એડવર્ટાઇઝર માટે ડાયરેક્ટ ટાર્ગેટ ઓડિયન્સ બની જાય છે. આ એક એવો ટાર્ગેટ કસ્ટમર છે જેના ખિસ્સા સુધી એડવર્ટાઇઝર પહોંચી શકે છે, તેના વિશેની લગભગ તમામ માહિતી મેળવી શકે છે.
ગત સપ્તાહે જ સમાચાર આવ્યા હતા કે ભારતનાં આશરે ૧૪૦૦ જેટલા પત્રકારો અને માનવ અધિકાર ચળવળકારોનાં ફોન હેક કરીને તેમની તમામ માહિતી લઇ લેવામાં આવી હોવાનો વોટસઅપે ખુલાસો કર્યો છે. શું આવી ગુપ્ત માહિતી મેળવીને હિત શત્રુઓને પહોંચાડવા બદલ આવક ન થાય..? એવું કહેવાય છે કે વિશ્વના ૨૦ જેટલા દેશોમાં આવા સાયબર એટેક સોફ્ટવેયરો બનાવી આપતા હેકરો મોજુદ છે જે સોશ્યલ મિડીયાનાં નેટવર્ક હેક કરીને માહિતીઓ ચોરી શકે છે.
વૈશ્વિક બજારમાં હાલમાં ગ્રાહકોની પસંદ, લેટેસ્ટ ટ્રેન્ડ, જરૂરીયાત, ખરિદ શક્તિ અને ખરીદીની ફિક્વન્સી જેવી અતિ મહત્વની માહિતી સોશ્યલ મિડીયા દ્વારા તૈયાર કરાયેલા ડેટા બેઝ ઉપરથી બનાવવામાં આવે છે અને અવા ડેટા બેઝ ખરીદવા માટે કંપનીઓ મોં માગ્યા નાણા ચુકવતી હોય છૈ. આ ડેટા બેઝ મોટા ભાગે વિદેશી કંપનીઓની બેકઅપ ઓફિસ તૈયાર કરી ને વેચતી હોવાથી આ આવક પણ વિદેશી કંપનીઓને થતી હોય છે. આ ઉપરાંત ઇ-કોમર્સ નાં ટ્રાન્ઝક્શન, ઓન લાઇન પેમેન્ટ, ઓન લાઇન બુકીંગ, હોસ્પિટાલીટી સેવાઓ તથા સર્વે માટે લાખો રૂપિયા ચુકવાતા હોય છે.
બીજીતરફ સોશ્યલ મિડીયા એ એડવર્ટાઝરો માટે ગ્રાહકોની નાડ પાર ખવાનું એકદમ સસ્તું અને હાથવગું હથિયાર સાબિત થયું છે. એક અંદાજ પ્રમાણે કોસ્ટ- પર- ક્લિક અને કોસ્ટ-પર- વ્યુ જેવા ક્ધસેપ્ટ સાથે દૈનિક એક ડોલરથી માંડીને ૧૦૦ ડોલર સુધીનાં ન્યુનતમ ખચે કંપનીઓ સોશ્યલ મિડીયા ઉપર જાહેરાત કરીને ગ્રાહકોનો મુડ પારખી શકે છૈ.
જો આ કેમ્પેનમાં સારી લીડ મળે તો કંપનીઓ ટેલિવિઝન તથા પ્રિન્ટ અને આઉટડોર મિડીયાનાં બજેટ બનાવતી હોય છે. યાદ રહે કે ન્યુઝપેપરની કોસ્ટમાં છેલ્લા એકાદ વર્ષમાં ૩૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. આવા સંજોગોમાં ન્યુઝ પેપરમાં જાહેરાતના ભાવ વધારવા પડે એ પણ માલિકોની મજબુરી હોય છે. તેથી નવી પ્રોડક્ટ કે ઓફર સાથે બજારમાં આવતી કંપનીઓ હવે સૌ પ્રથમ ૧૦ ટકા બજેટ સાથે સોશ્યલ મિડીયા કેમ્પેઇન કરે છે. જો તેમાં સફળતા મળે તો જ તેઓ અન્ય વિકલ્પો માટે બજેટ ફાળવે છે નહીતર નવી પ્રોડક્ટ બજારમાં ન આવે ત્યાં સુધી જાહેરાતનાં ખર્ચ પર બ્રેક મારી દેવામાં આવે છૈ.
ટૂંકમાં કહીએ તો સોશ્યલ મિડીયાની એન્ટ્રીએ છેલ્લા એક દાયકામાં ભારતના કોમ્યુનિકેશન તથા માર્કેટિંગ સેક્ટરમાં મોટા પાયે ફેરફાર કર્યા છે.
ઉપભોક્તાઓ માને છે કે તેમને કોઇ જ ખર્ચ વિના સેવાઓ પુરી પાડવામાં આવે છે પરંતુ હકિકત કાંઇક અલગ જ છે. ગુગલ જેવી ઇન્ટરનેટ કંપનીઓ ગ્રાહકોને સીધા ચાર્જ વસુલ્યા વિના સેવા આપતી દેખાય છે પરંતુ આ કંપનીઓ પતાના સર્ચ એન્જીન ઓપ્ટીમાઇઝેશન દ્વારા જે તે કંપનીઓના નામ આગળનાં ક્રમે લઇ જઇને તેમની પાસેથી નાણા વસુલ કરે છે. અંતે તો આ ખર્ચ કંપનીઓ તેમના ગ્રાહકો પાસેથી જ વસુલ કરવાની છે. આ નાણા મોટા ભાગે વિદેશી કંપનીઓની બેલેન્શીટ તગડી કરતા હોય છે.