ગઈસાંજથી સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળોએ હળવો વરસાદ પડ્યો છે. દરમિયાન આજે પણ અમુક જગ્યાએ હળવા ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.મધ્ય મહારાષ્ટ્ર ઉપર સાયકલોનીક સરકયુલેશન છવાયેલ છે. આ સિસ્ટમ્સની અસર હજુ આજનો દિવસ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ – કોઈ વિસ્તારોમાં આજનો દિવસ હળવા ઝાપટા પડશે. આવતીકાલથી અસર ઓછી થઈ જશે.
રાજકોટ શહેરમાં પણ ગઈકાલથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. ગઇસાંજે વાદળો છવાઇ ગયા હતા. કોઈ – કોઈ જગ્યાએ છાંટા પડ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો અનુભવ કરી રહેલા શહેરીજનોને થોડી રાહત મળી હતી.પરંતુ ભેજનું પ્રમાણ વધુ હોય ઉનાળા જેવો માહોલ જોવા મળે છે. છેલ્લા ત્રણ – ચાર દિવસોથી ગરમીનો પારો પણ ૩૭ થી ૩૯ ડિગ્રી આસપાસ જોવા મળે છે. ગઈકાલે મહત્તમ તાપમાન ૩૮.૭ ડિગ્રી નોંધાયેલ. આજે સવારે ભેજનું પ્રમાણ ૬૮ ટકા અને પવનની ગતિ ૧૦ કિ. મી. નોંધાઈ છે.