સવારથી અસહ્ય બફારા બાદ બપોર બાદ વરસાદના આગમને લોકોને ખુશ કરી દીધા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ પધરામણી કરી છે ત્યારે રાજકોટમાં આજે બપોર બાદ ફરી એકવાર વરસાદ વરસતા લોકોમાં હરખની હૈલી જામી છે.
ઉલ્લેખનીય છે કે કોંકણમાંથી ચોમાસુ ધીમેધીમે આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્યભરમાં આગામી થોડા દિવસોમાં સમગ્ર જિલ્લામાં વરસાદ પૂર બહારમાં જામશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા છે. છેલ્લા બે દિવસથી લોકો અસહ્ય બફારાથી કંટાળી ગયા હતા. ભારે ઉકળાટ બાદ આજે બપોર પછીના સમયમાં ફરી એકવાર રાજકોટમાં મેઘરાજાએ સટાસટી બોલાવી હતી.
જો કે હજુ આ તો ટ્રેલર જ છે પિક્ચર તો હજુ જામશે. ઉલ્લેખનીય છે કે રાજકોટના રેસકોર્ષ, યાજ્ઞિક રોડ, માધાપર ચોકડી, લક્ષ્મીનગરના નાલું સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
રંગીલા રાજકોટવાસીઓએ આજે વરસાદની મન મૂકીને મજા માણી હતી. કાલાવડ રોડ અન્ડરબ્રિજ ખાતે તો જાણે રાજકોટીયન્સના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હજુ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
જો કે હાલ કોઇ સિસ્ટમ સક્રિય નથી. 20 જૂન પછી સિસ્ટમ સક્રિય થાય ત્યારબાદ વાવણી લાયક વરસાદ પડે તેવી પૂરી શક્યતા છે. આજે બપોર બાદ ફક્ત રાજકોટ જ નહિં પરંતુ આજુબાજુના ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. જેને લઇ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.