સવારે વાદળર્છાંયુ વાતાવરણ: સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાનનો પારો ફરી 42 ડિગ્રીએ આંબ્યો: ગોંડલ પંથકમાં કરા સાથે વરસાદ

આકાશમાં ફરી આછેરા વાદળો છવાયા છે. અસહ્ય ઉકળાટનો અહેસાસ થઇ રહ્યો છે. ગોંડલ પંથકમાં શુક્રવારે સાંજે કરા સાથે વરસાદ પડ્યો હતો. આજે સવારે રાજકોટમાં વાદળર્છાંયુ વાતાવરણ રહેવા પામ્યુ હતું. રાજ્યના 10 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જવા પામી છે. જાણે પ્રિ-મોનસુન એક્ટિવીટી શરૂ થઇ ગઇ હોય તેવું વાતાવરણ લાગી રહ્યું છે.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ફરી સુર્યનારાયણે આકાશમાંથી આગ ઓકવાનું શરૂ કર્યું છે. ગઇકાલે સુરેન્દ્રનગર 42 ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમરેલીનું તાપમાન 41.4 ડિગ્રી, રાજકોટનું તાપમાન 41 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 41.1 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 41.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 41.1 ડિગ્રી, ભૂજનું તાપમાન 40.1 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 37.8 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 32 ડિગ્રી, ઓખાનું તાપમાન 34.5 ડિગ્રી, વેરાવળનું તાપમાન 32.9 ડિગ્રી, દિવનું તાપમાન 33.2 ડિગ્રી, મહુવાનું તાપમાન 36.4 ડિગ્રી, કેશોદનું તાપમાન 37.8 ડિગ્રી, સુરતનું તાપમાન 36.4 ડિગ્રી, દમણનું તાપમાન 33.8 ડિગ્રી અને નલીયાનું તાપમાન 35.4 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું.

આ વર્ષ ગરમી સાથે ઉકળાટનો પણ અહેસાસ થઇ રહ્યો છે. આજે સવારે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સવારના સમયે આકાશમાં આછેરા વાદળો છવાયા હતા. સવારથી જ પરસેવે રેબઝેબ કરી દેતા ઉકળાટથી જનજીવન તોબા પોકારી ગયુ હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જવાના કારણે અને તાપમાનનો પારો ઉંચો રહેવાથી લોકલ ફોર્મેશનથી સાંજના સમયે સામાન્ય વરસાદ પડે છે. બે દિવસથી ભાવનગર પંથકમાં માવઠા વરસી રહ્યા છે. દરમિયાન ગઇકાલે ગોંડલ પંથકમાં અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.

રાજ્યના 10 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ફરી 40 ડિગ્રીને પાર થઇ ગયો હોય આગામી દિવસોમાં હીટવેવનો નવો રાઉન્ડ આવે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.

ગોંડલ પંથકમાં શુક્રવારે સાંજે સાતેક વાગ્યા આસપાસ ગોમટા ચરખડીમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ચરખડીમાં વીજળી પડી હતી. જો કે, કોઇ જાનમાલની હાની થવા પામી ન હતી.

અંદાજે એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

 

ક્યાં કેટલુ તાપમાન

સુરેન્દ્રનગર 42 ડિગ્રી
અમદાવાદ 42 ડિગ્રી
ગાંધીનગર 41.5 ડિગ્રી
અમરેલી 41.4 ડિગ્રી
કંડલા 41.1 ડિગ્રી
વલ્લભ વિદ્યાનગર 41.1 ડિગ્રી
રાજકોટ 41 ડિગ્રી
ડીસા 40.8 ડિગ્રી
ભૂજ 40.1 ડિગ્રી
ભાવનગર 37.8 ડિગ્રી
કેશોદ 37.8 ડિગ્રી
મહુવા 36.4 ડિગ્રી
સુરત 36.4 ડિગ્રી

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.