જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સવારથી મેઘકૃપા
સૌરાષ્ટ્રમાં આજે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. દરમિયાન આજે સવારથી ફરી મેઘરાજાએ મંડાણ કર્યા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ચાર કલાકમાં 4 ઇંચ અને અમરેલી જિલ્લાના ધારી અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં બબ્બે ઇંચ વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રના 11 તાલુકાઓ પૈકી 6 તાલુકાઓમાં સવારથી મેઘકૃપા વરસી રહી છે. રાજકોટમાં પણ વાતાવરણ મેઘાવી બન્યું છે.
ગઇકાલે મંગળવારે મેઘરાજાએ સૌરાષ્ટ્ર પર અનરાધાર હેત વરસાવ્યું હતું. રાજકોટ શહેરમાં 11 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. કાલે બપોર બાદ મેઘરાજાએ સર્વત્ર વિરામ લીધો હતો. દરમિયાન હજુ ચાર દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આજે સવારથી ફરી મેઘરાજાના મંડાણ થયા છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સવારે ચાર કલાકમાં રાજ્યના 58 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ 4 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો.
હવામાન વિભાગ દ્વારા આજે ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, ખેડા, સાબરકાંઠા, વડોદરા, બોટાદ, પોરબંદર અને રાજકોટ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે પણ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદ, રાજકોટ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દેવભૂમિ દ્વારકા અને જામનગર જ્યારે શુક્રવારે દેવભૂમિ દ્વારકા, કચ્છ, વલસાડ, જામનગર, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગઇકાલે રાજ્યના 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, મેઘાનું જોર થોડું ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે. છતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્ર એલર્ટ મોડ પર છે.
રાજ્યના 209 તાલુકાઓમાં 10 ઇંચ સુધી વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ ભરૂચના વાગરામાં વરસ્યો: કચ્છના અંજારમાં 9 ઇંચ
આજે સવારે પૂરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 33 જિલ્લાઓના 209 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. સૌથી વધુ વરસાદ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં 10 ઇંચ વરસી ગયો છે. જ્યારે કચ્છના અંજારમાં નવ ઇંચ, ભૂજમાં આઠ ઇંચ, વઘઇ, ગાંધીધામ અને વાસંદામાં સાત ઇંચ, ડાંગ, કરજણ, ડોલવાણ અને નખત્રાણામાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો. વ્યારા, સોનગઢ, રાજકોટ, ધનસુરા, માંડવી, ભરૂચ, મહુવા, સુબીર, ખેડબ્રહ્મા, વાલોદમાં પાંચ ઇંચ, જોડીયા, જગડીયા, ઉંમરપાડા, પાદરા, અંકલેશ્ર્વર, સુત્રાપાડા, અબડાસામાં ચાર ઇંચ, વલીયા, બારડોલી, માંડવી, વિસાવદર, ભાભરમાં 3॥ ઇંચ, ચૌર્યાસી, પલસાણા, મેંદરડા, વડોદરા, કપરડા,
નવસારી, મહુધા, મેઘરજ, મુંદ્રા, કોડીનારમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગઇકાલે એક જ દિવસમાં રાજ્યમાં 209 તાલુકાઓમાં મેઘરાજાએ મહેર ઉતારી હતી. હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી 39 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
લો-પ્રેશર વેલમાર્કમાં પરિવર્તિત થઈ વધુ મજબુત બન્યું
રાજયમાં શુક્રવારે ફરી સાર્વત્રિક ભારે વરસાદની સંભાવના
બંગાળની ખાડીમાં ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સર્જાયેલુ લો-પ્રેશર હવે વેલમાર્કમાં પરિવર્તીત થઈ વધુ મજબૂત બન્યું છે. જેની અસર તળે આગામી શુક્રવારે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ફરી સાર્વત્રિક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દવ્રા વ્યકત કરવામાં આવી છે. દરમિયાન આગામી 17મી જુલાઈ સુધી સતત મેઘાવી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર ઓરિસ્સાના દરિયાકાંઠે સર્જાયેલું લો-પ્રેશર વેલમાર્કમાં ફેરવાય વધુ મજબુત બન્યું છે. આ ઉપરાંત મોનસુન રૂફ તેની નોર્મલ પોઝીશનથી દક્ષિણ દિશા તરફથી પસાર થઈ રહ્યો છે. ઓફશોર રૂફ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી વિસ્તારેલો છે. વિન્ડ શિયર 18 થી 19 કિ.મી.ની ઉંચાઈ પર છે.એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો સક્રિય હાવેના કારણે રાજયમાં સતત વરસાદ ચાલુ રહેશે. દરમિયાન આગામી શુક્રવારથી ફરી મેઘરાજાનું જોર વધશે.શુક્રવારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. અમૂક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે.