સવારથી સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ: કુતિયાણા અને જૂનાગઢમાં 3॥ ઇંચ, મેંદરડામાં 3 ઇંચ, માંડવીના અઢી ઇંચ અને વંથલી તથા મુંદ્રામાં બે ઇંચ વરસાદ: 67 તાલુકાઓમાં મેઘકૃપા
છતીસગઢમાં સજાયેલું લો-પ્રેશર હવે મધ્યપ્રદેશ સુધી આવી પહોંચ્યું છે. સાથોસાથ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ઓફશોર ટ્રફ છવાયેલો છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે સવારથી સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સવારથી વાદળર્છાંયા વાતાવરણ વચ્ચે બપોરે મેઘાના મહા મંડાણ થયા હતા. વાતાવરણ એકરસ બની ગયુ છે. આજે રાજકોટવાસીઓને મેઘરાજા ધરવી દે તેવું લાગી રહ્યું છે. દરમિયાન સવારથી 67 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘાની મહેરાબાની જોવા મળી રહી છે.
પોરબંદરના કુતિયાણા અને જૂનાગઢ શહેરમાં અનારાધાર સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જ્યારે મેંદરણામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. કચ્છના માંડવીમાં અઢી ઇંચ અને જૂનાગઢ વંથલી અને કચ્છના મુંદ્રામાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રભરમાં સવારથી મેઘરાજા કૃપા વરસાવી રહ્યા છે.
બપોરે રાજકોટમાં મેઘરાજાએ મંડાણ કર્યા હતા. સાંબેલાધારે વરસાદ તૂટી પડતાં સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે. વાતાવરણ એકરસ છે. શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસતા નથી તેવું રાજકોટવાસીઓનું મ્હેણું આજે ભાંગી જાય તેવું લાગી રહ્યું છે. આગામી ચાર દિવસ હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને આગામી શુક્રવાર અને શનિવારે વરસાદનું જોર રહેશે.
આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની કરાયેલી આગાહીને પગલે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ થયો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા અને તેની આસપાસના વિસ્તારોમાં ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદથી લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. સુરતના બે ઇંચ તેમજ ઉંમરગામમાં છ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. રાજકોટમાં પણ અડધા કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જસદણના આટકોટ, પાંચવડા, ગુંદાળા સહિતના ગામોમાં ધોધમાર એક ઇંચ વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ થયો હતો.
રાજકોટમાં એક કલાકમાં દોઢ અને ઉપલેટા પંથકમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.
રાજકોટ શહેરમાં સોમવારે બપોર બાદ વીજળીના કડાકાભડાકા સાથે એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, 150 ફૂટ રીંગ રોડ, રેસકોર્ષ, રૈયા રોડ, કિશાનપરા ચોક, યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર-કચ્છના મેઘરાજાએ સટાસટી બોલાવી છે.
કચ્છના મુંદ્રા, માંડવી, ભચાઉ, કચ્છ, ભૂજ અને અન્ય શહેરોમાં એક થઇ લઇ 3 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ગયો છે. હજુ આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અને ઘણા ખરા વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદ પડે તેવી પણ સંભાવના છે.