અષાઢમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: સૌરાષ્ટ્રમાં હેલી: સવારથી રાજકોટ સહિત સમગ્ર રાજયમાં કયાંક ધીમીધારે તો કયાંક ધીંગીધારે વરસાદ: અનેક જળાશયો ઓવરફ્લો: તંત્ર એલર્ટ

૪૮ કલાક અતિભારે વરસાદની આગાહી સુપડાધારે ખાબકશે દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફસોર ટ્રફ સાથોસાથ ગુજરાત પર લોપ્રેશર જેવી બબ્બે સિસ્ટમો સક્રિય હોય રાજયમાં બે દિવસ અતિભારે વરસાદની સંભાવના

દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઓફસોરટ્રફ અને ગુજરાત પર લો-પ્રેશર સર્જાતા એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાની વિભાગની આગાહી વચ્ચે શુક્રવારે સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ જોવા મળ્યું હતું. સાર્વત્રિક અનરાધાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાય ગયુ છે. અષાઢમાં મેઘરાજાએ રૌદ્ર સ્વ‚પ ધારણ કરી લેતા સૌરાષ્ટ્રમાં હેલી સર્જાય છે. સવારથી રાજકોટ સહિત રાજયભરમાં કયાંક ધીંગીધારે તો કયાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સતત અનરાધાર વરસાદના કારણે જળાશયોમાં પાણીની ધોધમાર આવક થવા પામી છે.

આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ૨૪૦ તાલુકાઓમાં વરસાદ પડયો છે. સુરેન્દ્રનગર જિલ્લાનું ચોટીલા જાણે સૌરાષ્ટ્રનું ચેરાપુંજી બની ગયું હોય તેમ ગત શુક્રવારે એક જ રાતમાં ચોટીલામાં અનરાધાર ૨૪ ઈંચ વરસાદ વરસ્યા બાદ ગત મધરાતે ચોટીલામાં સાંબેલાધારે ૧૩ ઈંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથક બેટમાં ફેરવાઈ ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ૨૬૮૮ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. સૌરાષ્ટ્રમાં આજે સવાર સુધીમાં સાર્વત્રિક અડધાથી લઈ ૧૩ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. તો ઉતર ગુજરાતમાં અડધાથી ૪ ઈંચ, મધ્ય ગુજરાતમાં હળવા ઝાપટાથી લઈ ૫ ઈંચ, દક્ષિણ ગુજરાતમાં અડધાથી લઈ ૬ ઈંચ વરસાદ વરસી ગયો છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા હોય તેમ દોઢ ઈંચથી લઈ ૧૩ ઈંચ સુધી વરસાદ પડયો છે. રાજકોટ જિલ્લામાં વરસાદી હેલી સર્જાય છે. ગત શનિવારથી શુક્રવાર સુધી સતત સાત દિવસ જિલ્લામાં મેઘરાજાનો મુકામ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં આજે સવાર સુધીમાં ૧ થી લઈ ૭ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. તો મોરબી જિલ્લામાં પણ મેઘરાજા ઓળખોડ થઈ ગયા હોય તેમ દોઢ થી લઈ સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ પડયો છે. જુનાગઢ જિલ્લામાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. જિલ્લામાં ૨ થી ૧૦ ઈંચ સુધી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

ગીર-સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને ૨ થી ૬ ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. અમરેલી જિલ્લામાં પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં દોઢ થી લઈ ૧૦ ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. પ્રથમ રાઉન્ડમાં બાકાત રહી ગયેલા ભાવનગર જિલ્લા પર પણ બીજા રાઉન્ડમાં હેત વરસાવ્યું છે. જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ ૪॥ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે તો બોટાદમાં પણ મેઘમુકામ જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લામાં ૩ ઈંચથી લઈ અનરાધાર ૮ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં મેઘરાજાનો હેત ઓછું જોવા મળ્યું છે.

શુક્રવારે આખીરાત રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. દરમિયાન આજે સવારથી રાજકોટ સહિત રાજયભરમાં અનરાધાર વરસાદ ચાલુ છે. મેઘરાજા કયાંક ધીંગીધારે તો કયાંક ધીમીધારે સતત હેત વરસાવી રહ્યા છે. ભારે વરસાદના કારણે જળાશયોમાં ધોધમાર પાણીની આવક થવા પામી છે. ગુજરાત પર એક સાથે બબ્બે સિસ્ટમો સક્રિય હોવાના કારણે આગામી ૪૮ કલાક રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.