જુના રાજકોટમાં 50 મીમી, ન્યુ રાજકોટમાં 25 મીમી અને સામાકાંઠે 18 મીમી વરસાદ વરસ્યો: શ્રાવણનાં સરવડા જેવો માહોલ: વાતાવરણમાં ઠંડક
છેલ્લા ત્રણ માસથી કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલા અને અકળાઈ ઉઠેલા રાજકોટવાસીઓ જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે મહામોંઘેરા મેઘરાજાનું આજે શહેરમાં આગમન થયું હતું. મધરાતથી મેઘરાજા રાજકોટ પર હળવાથી ભારે ઝાપટા સ્વરૂપે હેત વરસાવી રહ્યા છે. બપોરે 2:00 વાગ્યા સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું મહાપાલિકાનાં ફાયર બ્રિગેડનાં રેકોર્ડ પર નોંધાયું છે. વાતાવરણ એક રસ છે ગમે ત્યારે ફરી મંડાઈ તેવા સુ:ખદ એંધાણ વર્તાય રહ્યા છે. મધરાતથી વરસાદ સતત ચાલું હોવાનાં કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે. આગામી 48 કલાક સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
વાયુ વાવાઝોડાની અસરનાં કારણે સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. શહેરમાં મધરાતથી ધીમીધારે મેઘો હેત વરસાવી રહ્યો છે. બપોર સુધીમાં શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તાર એટલે કે જુના રાજકોટમાં 50 મીમી વરસાદ પડયો હોવાનું ફાયર બ્રિગેડ શાખાનાં ચોપડે નોંધાયું છે. જયારે વેસ્ટ ઝોન એટલે કે ન્યુ રાજકોટમાં 25 મીમી અને ઈસ્ટ ઝોનમાં એટલે કે સામાકાંઠા વિસ્તારમાં 18 મીમી વરસાદ પડયો છે. આજે શ્રાવણનાં સરવડા જેવો માહોલ શહેરમાં જોવા મળ્યો હતો. કયારેક જોરદાર ઝાપટા પડતા હતા તો વચ્ચે-વચ્ચે સુર્યનારાયણ દેખા દેતા હતા. બપોરે 1 થી 2નાં સમયગાળા દરમિયાન જુનાં રાજકોટમાં મેઘરાજાએ હેત વરસાવવાનું ચાલુ રાખ્યું હતું. વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદનાં કારણે શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. દરમિયાન મહાપાલિકા દ્વારા ચોમાસાની સીઝનમાં વરસાદનું પાણી ભરાઈ તો કયાં ફરિયાદ નોંધાવી જેનાં નંબરો પણ જાહેર કર્યા છે. જેમાં ફલડ કંટ્રોલરૂમનાં નં. 0281-2225707 અને 0281-2228741 છે જયાં પાણી ભરાવવા, વૃક્ષો પડવા સહિતની ફરિયાદો નોંધાવી શકાશે. આ લખાય રહ્યું છે ત્યારે પણ વાતાવરણ મેઘાવી છે. આકાશમાં કાળા દિબાંગ વાદળોનો જમાવડો જામ્યો હોય મેઘરાજા ફરી ગમે ત્યારે હેત વરસાવી તેવું લાગી રહ્યું છે.