ગુજરાતમાં સૌથી વધુ કચ્છ રિજીયનમાં 51.84 ટકા વરસાદ
કચ્છડો બારે માસ, કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે કચ્છના વિવિધ તાલુકામાં આઠથી લઇ 12 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ લખપતમાં પડ્યો હતો. લખપતમાં 12 ઇંચ વરસાદથી સર્વત્ર જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત નખત્રાણામાં 7 ઇંચ, માંડવીમાં 5 ઇંચ, મુંદ્રામાં 3॥ ઇંચ, અબડાસામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ કચ્છ રિજીયનમાં 51.84 ટકા વરસાદ નોંધાયો છે.
ભારતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લા માટે તા.08/07/2022 થી તા.11/07/2022 સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે. જેના કારણે જિલ્લામાં આવેલ ડેમ/નદી-નાળા/તળાવો ઓવરફ્લો થવાની શક્યતાઓ રહેલ છે. લોકો ગફલતમાં રહિ, ખોટા સાહસ કરી નદી/નાળા વગેરેના પાણીમાં ન્હાવા પડવા, વરસાદી પાણીના પ્રવાહમાંથી પસાર થવાના જોખમી પ્રયાસ કરવા નહી. જેથી તણાઇ જવાના તેમજ પાણીમાં ડુબી જવા વિગેરે કારણોસર માનવ મૃત્યુના બનાવો ન બને. આ ઉપરાંત આકાશી વિજળી પડવાના કારણે પણ માનવ તેમજ પશુ મૃત્યુના બનાવો બનેલ છે. આ અનુસંધાને કચ્છ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, વરસાદની ઋતુમાં લોકોએ ગફલતમાં ન રહેવું, પાણી ભરાયેલ હોય તેવા સ્થળે પ્રવેશ કરવો નહિ તેમજ ન્હાવા પડવું નહીં, બાળકોને પણ આવા પાણીથી દુર રાખવા તથા બિન-જરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહી તથા અફવાઓથી દોરાવું નહીં.