નવસારીમાં જલાલપોરમાં સાડા ચાર ઈંચ, વલસાડમાં 3 ઇંચ વરસાદ: સવારથી નવ તાલુકામાં મેઘકૃપા
સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થવાના કારણે આગામી 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં સોમવારે પણ મેઘ વિરામ જેવો માહોલ રહેવા પામ્યો હતો. જો કે દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાનો મૂકામ જોવા મળ્યો હતો. નવસારીના જલાલપોરામાં ચાર ઇંચ અને વલસાડમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી નવ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો 102.30 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 15 તાલુકાઓમાં વરસાદ પડ્યાનું નોંધાયુ છે. સૌથી વધુ વરસાદ નવસારીના જલાલપોરમાં ચાર ઇંચ, વલસાડમાં બે ઇંચ, નવસારી, વાપી અને ખેરગામમાં એક-એક ઇંચ પારડી, ઉત્તર ગામમાં પોણો ઇંચ, કપરાડામાં અર્ધો ઇંચ વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી નવ તાલુકાઓમાં મેઘકૃપા વરસી રહી છે. સવારે નવસારીમાં વધુ એક ઇંચ અને જલાલપોરમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કપરાડામાં પણ અર્ધો ઇંચ વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં મેઘવિરામ હોવા છતા જળાશયોમાં પાણીની આવક ચાલુ છે. આજી-1 ડેમમાં 0.20 ફૂટ, આજી-2 ડેમમાં 0.33 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ, મચ્છુ-1 ડેમમાં 0.10 ફૂટ, મચ્છુ-2 ડેમમાં 0.16 ફૂટ, ડેમી-1 ડેમમાં 0.10 ફૂટ, મચ્છુ-3 ડેમમાં 0.39 ફૂટ, સસોઇ ડેમમાં 0.07 ફૂટ, ઉંડ-1 ડેમમાં 0.07 ફૂટ, ફૂલઝર કોબામાં 0.16 ફૂટ, ફલકુ ડેમમાં 0.16 ફૂટ, લીંબડી ભોગવો-2 (વડોદ)માં 0.16 ફૂટ પાણીની આવક થવા પામી છે.
રાજ્યમાં આજ સુધી સિઝનનો 102.30 ટકા વરસાદ વરસી ગયો છે. પરંતુ સૌરાષ્ટ્રમાં 90.25 ટકા વરસાદ પડ્યો છે. હજી 10 ટકા વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં હજી વરસાદની ખેંચ વર્તાય રહી છે. મેઘરાજા મહેર કરે અને એક સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી આજીજી જગતાત વરૂણ દેવને કરી રહ્યા છે.