જમ્મુ-કાશ્મિરમાં સિઝનની પહેલી બરફવર્ષા
શુક્રવારથી મોડી રાતે અને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે: 15 નવેમ્બર આસપાસ શિયાળાનો વિધિવત આરંભ થશે
જુલાઇ અને ઓગષ્ટ માસમાં રૂષણા રાખનાર મેઘરાજાએ સપ્ટેમ્બર માસમાં અનરાધાર હેત વરસાવતા સમગ્ર સૌરાષ્ટ્રને પાણી-પાણી કરી દીધું હતું. નૈઋત્યના ચોમાસાએ વિદાય લેવાનું શરૂ કરી દીધું છે પરંતુ પાછા ફરતા ચોમાસાના પવનના કારણે રાજ્યમાં હજી છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આજથી મેઘરાજા સંપૂર્ણપણે વિરામ લઇ લે તેવી સુખદ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
જમ્મુ-કાશ્મિરમાં સિઝનની પહેલી બરફ વર્ષા ગઇકાલે મોડી સાંજે થઇ હતી. હજી એકાદ મહિનો રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થતો રહેશે. વહેલી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે અને બપોરે ગરમીનો અનુભવ થશે. 5મી નવેમ્બર બાદ શિયાળાનો વિધિવત આરંભ થાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન લોકલ ફોર્મેશનના કારણે આજે પણ અમૂક છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાંપટા પડે તેવી સંભાવના રહેલી છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુંસાર નૈઋત્યનું ચોમાસુ હાલ વિદાય લઇ રહ્યું છે. આજથી સૌરાષ્ટ્રમાં મેઘરાજા વિદાય લ્યે તેવી શક્યતા છે હવે વાતાવરણ સુકુ રહેશે આગામી શુક્રવારથી મિશ્ર ઋતુનો અનુભવ થશે. વહેલી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થશે અને બપોરે ગરમી અનુભવાશે. જમ્મુ-કાશ્મિરમાં ગઇકાલે મોડી સાંજે ચાલુ સાલ સિઝનનો પહેલી બરફ વર્ષા થવા પામી હતી. ગુજરાતમાં આગામી 15મી નવેમ્બર બાદ વિધિવત રીતે શિયાળાનો આરંભ થશે અને ક્રમશ: ઠંડીનું જોર વધશે.
મિશ્ર સિઝનનો પિરિયડ એકાદ માસ સુધી ચાલશે. આ વર્ષ મોન્સૂન વિન્ડ્રોલ પરિયડમાં પણ મેઘરાજાની મન મૂકીને જાણે વરસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચેક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. આગામી બે દિવસ વાદળ છાંયુ વાતાવરણ જોવા મળશે પરંતુ વરસાદની સંભાવના ખૂબ જ નહિવત છે. સીવી ફોર્મેશનના કારણે છૂટા છવાયા એકાદ- બે વિસ્તારોમાં ઝાંપટા પડશે આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયુ છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોતલામાં એક ઇંચ, જસદણ, જામકંડોરણા, ગીર ગઢડામાં અર્ધો ઇંચ વરસાદ પડ્યો હતો. મેઘાના પાછોતરા પ્રહારના કારણે ખેડૂતોની સ્થિતી પડ્યા પર પાટા માર્યા જેવી થઇ જવા પામી છે. ખેતરોમાં તૈયાર થઇ ગયેલા પાકને વ્યાપક નુકશાની થતા હવે મોઢે આવેલો કોળીયો છીનવાય જાય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝન 96.37 ટકા વરસાદ પડ્યો છે. કચ્છમાં 112.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 71.92 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 84.13 ટકા, સૌરાષ્ટ્રમાં 115.87 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 94.56 ટકા વરસાદ પડ્યો છે.