આજથી ત્રણ દિવસ બંધ પાળ્યા બાદ સરકાર નહીં માને તો ૧લીથી ફરી હડતાલ: હાથમાં કાળી પટ્ટી બાંધી કાળો દિવસ મનાવ્યો

ટેકસટાઇલ પર પ ટકા જી.એસ.ટી.ના વિરોધકમાં સુરત, અમદાવાદ સહીત દેશભરના કાપડ વેપારીઓ આજથી ત્રણ દિવસ બંધ પાળશે. બંધને કારણે ટેકસપાઇલ સેકટરને વ્યાપક નુકશાન વેઠવું પડશે. માત્ર સુરતને જ બંધ દરમ્યાન દિવસનું ૨૫૦ કરોડનું નુકશાન થશે.

જી.એસ.ટી. કાઉન્સીલમાં પ્રતિનિધિત્વ કરતા નાયબ મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય ટેકસટાઇલ મંત્રીને જી.એસ.ટી. સંઘર્ષ સમીતીના પ્રતિનિધિ મંડળ દ્વારા રજુઆતો કરવામાં આવી હતી. છતાં પણ તેમની એકપણ માંગ નહી સ્વીકારાતા ગત અઠવાડીયા દરમ્યાન દિલ્હીમાં દેશભરના વેપારીઓની હાજરીમાં તૈયાર થયેલી ઓલ ઇન્ડીયા સંઘર્ષ સમીતી દ્વારા તારીખ આજથી ૨૯ જુન સુધી હળતાલ પર જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ અંગે છેલ્લા એક મહિનાથી દેશભરના ટેકસટાઇલ અગ્રણીઓ દ્વારા અવાર નવાર રજુઆતો કરી ટેકસ ટાઇલને રાહત તેમજ કાપડને જી.એસ.ટી.માંથી મુકત કરવાની માંગ કરવામાં આવી રહી છે. છેલ્લી રીવ્યુ બેઠકમાં ટેકસટાઇલના એકપણ સેકટરમાં રાહત નહી સ્વીકારવામાં આવતા વેપારીઓનો રોષ વધી જવા પામ્યો છે. જી.એસ.ટી.માંથી મુકિત મેળવવા હળતાલનું એલાન કરવામાં આવ્યું છે. જેના પગલે આજથી ત્રણ દિવસ માટે માર્કેટ બંધ રાખ્યા બાદ ૩૦મી જુનના રોજ માર્કેટ ફરીથી ખોલવામાં આવશે. આજના દિવસે તમામ વેપારીઓ હાથ પર કાળી પટ્ટી બાંધી કાળો દિવસ ઉજવશે.

સુરત ટેક્ષટાઇલ માર્કેટ વિસ્તારમાં ૧૬૫ માર્કેટો સાથે ૭૫ હજારથી વધુ વેપારીઓ સંકળાયેલા છે. જી.એસ.ટી. સંઘર્ષ સમીતીના પ્રવકતા જયવાલ અને અગ્રવાલના જણાવ્યા અનુસાર સરકારને સદ્બુઘ્ધિ આપે અને કાપડને જી.એસ.ટી. માંથી મુકિત આપે તે ઉદ્ેશી માર્કેટમાં જી.એસ.ટી. શાંતિ અને સરકાર સદબુઘ્ધિ હવન કરવામાં આવશે.

ત્રણ દિવસના બંધ દરમીયાન વેપારીઓ ગાંધીનગર ધામા નાખશે. અને ઉગ્ર દેખાવો કરશે. વેપારીઓએ એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે તેમના હિતમાં નિર્ણય નહી લેવામાં આવે તો ૧લી જુલાઇથી ફરી માર્કેટ બંધ થશે. જી.એસ.ટી. સામેના આંદોલનના પગલે ટ્રેડીંગ પર નભતા વિવિંગ અને પ્રોસેસિંગ યુનિટો નિરસ લગ્નસરા ઉપરાંત રમજાનની ઓછાવત્તા પ્રમાણમાં થયેલી ખરીદીના કારણે આકરુ નુકશાન થયું છે. ત્યારે વેપારીઓ દ્વારા જુનો સ્ટોક કલીયર કરી નવી ઉત્પાદન નહી કરવાની નીતીના કારણે હાલ વિવિંગ તથા પ્રોસેસિંગ ઉઘોગમાં તેની ક્ષમતા કરતા ૨૦ ૩૦ ટકા નીચું ઉત્પાદન થઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.