યોજનાની અમલવારી નહિ થાય ત્યાં સુધી સૌરાષ્ટ્રના યાર્ડ રહેશે બંધ: આગામી દિવસોમાં ગુજરાતભરનાં માર્કેટીંગ યાર્ડને જોડી માગણી મજબુત બનાવાશે: સરકાર વાટાઘાટો કરે તેવી સૌરાષ્ટ્ર વેપારી એપીએમસી એસો.ની માગ
મગફળીની ખરીદીમાં ભાવાંતર યોજના લાગુ કરવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં તમામ માર્કેટીંગ યાર્ડો આજથી અચોકકસ મુદત સુધી બંધ રહેશે. યોજનાની અમલવારી આગામી દિવસોમાં પણ નહિ થાય તો ગુજરાતભરનાં માર્કેટીંગ યાર્ડ આ બંધમાં જોડાશે. સૌરાષ્ટ્ર વેપારી એપીએમસીની માંગણી મુજબ સરકાર આ મુદે વાટાઘાટો નહિ કરે ત્યાં સુધી આ પ્રકારનું આંદોલન ચાલુ રહેશે.સૌરાષ્ટ્ર વેપારી એપીએમસીએ છ દિવસ અગાઉ આ અંગેનું અલ્ટિમેટમ સરકારને આપ્યું હતુ જેમાં ૧ લી નવેમ્બરથી ભાવાંતર યોજના અમલી બનાવવામાં આવે.સરકાર દ્વારા દર વર્ષ ૧૫મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે સૌરાષ્ટ્ર વેપારી એપીએમસીની માગણી છે કે મગફળીની ખરીદીમાં ભાવાંતર યોજના લાગુ કરવામાં આવે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ ન કરે તે માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડો અચોકકસ મુદત સુધી બંધ પાડશે અને સરકાર આ મુદે વાટાઘાટો કરે તેવું ઈચ્છી રહ્યા છે.આ હડતાળમાં રાજકોટ સહિત જિલ્લાના તમામ તાલુકા ઉપલેટા, ધોરાજી, ગોંડલ, જેતપુર, સાવરકુંડલા સહિત યાર્ડના વેપારીઓ જોડાશે તે માટે લેખીતમાં જાણ કરાઈ છે.સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ના પ્રમુખ અતુલ કામાણીના જણાવ્યા મુજબ અમોએ વીસેક દિવસ પહેલા ભાવાંતર યોજના ગુજરાતમાં લાગુ કરાવવા સરકારને આવેદન આપ્યું છે.
હાલ નાના ખેડુતો આશરે રૂ.૮૫૦માં મગફળી વેચી રૂ.૧૫૦ની ખોટ ભોગવી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં જો આ યોજના લાગુ થશે તો મોટાભાગના ખેડુતો આ પ્રકારના લાભથી વંચિત રહેશે. જો ભાવાંતર યોજના અમલી બનશે તો પ્રજાના નાણાનો વેડફાટ નહિ થાય અને બજારમાં માંગ મુજબ મગફળીનો માલ ઉપલબ્ધ બનતો રહેશે