સોમનાથ મહાદેવના સુખદ સાનિધ્યમાં યોજાયો સમાપન સમારોહ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કરી બંને રાજ્યોની સંસ્કૃતિના સમન્વય સમા કાર્યક્રમની કરી સરાહના
ગુજરાત સરકાર આયોજીત ઉત્સવ સમન્વયનો, ઉત્સવ પરંપરાનો જેવા અદ્ભૂત, અવિસ્મરણીય એવા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો આજે સોમનાથ મહાદેવના સુખદ સાનિધ્યમાં સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યૂઅલી ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રમાં પધારેલા તામિલ બાંધવો હજી 30મી સુધી ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની મૂલાકાત લેશે.
ગુજરાત સરકાર દ્વારા ગત 17મી એપ્રિલથી સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષો પહેલા ધંધા-રોજગાર અર્થે તમિલનાડુમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસીઓને ખાસ ટ્રેન મારફત ગુજરાતમાં લાવવામાં આવતા હતા અને વિવિધ પ્રવાસન સ્થળની મૂલાકાતે લઇ જવામાં આવતા હતા.
આજે સવારે ગીર સોમનાથમાં પ્રથમ જ્યોર્તિંલીંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યૂઅલી જોડાયા હતા અને બન્ને રાજ્યોની સંસ્કૃતિની સરાહના કરી હતી. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય પશુપાલન, મત્સ્યપાલન, ડેરી મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા, ઝારખંડના રાજ્યપાલ સી.પી.રાધાકૃષ્ણન, કેન્દ્રીય મંત્રી એલ.મુરૂગન, રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા ખાસ ઉ5સ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કલા, સંસ્કૃતિ, શિક્ષણ, યુવા, વાણિજ્ય-ઉદ્યોગ સહિતની સંસ્કૃતિની આપ-લે કરવામાં આવી હતી. આજે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું સમાપન થઇ ગયુ છે. પરંતુ જો તમિલબંધુઓ ગઇકાલે સૌરાષ્ટ્ર-ગુજરાતની મૂલાકાતે આવ્યા છે. તેઓ આગામી 30મી એપ્રિલ સુધી રાજ્યના સોમનાથ, દ્વારકા, નાગેશ્ર્વર, સ્ટેચ્યૂ ઓફ યુનિટિ સહિતના પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે.
તામિલનાડુથી સૌરાષ્ટ્રની મૂલાકાતે આવતા લોકોને હોંશભેર રેલવે સ્ટેશન ખાતે આવકારવામાં આવતા હતા. તેઓનું આગવી પરંપરા સાથે સ્વાગત કરવામાં આવતું હતું. સૌરાષ્ટ્રની મહેમાન ગતી માણી તમિલબંધુઓ પણ ભાવ વિભોર બની ગયા હતા.