- ભાજપ દ્વારા કાલે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના
- રાજકોટ બેઠક માટે કાલે નામ નહિં જાહેર થાય
ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી પેનલ બનાવી નામ દિલ્હી દરબારમાં રજૂ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ બેઠક માટે હાલ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઇ પટેલનું નામ લગોલગ ચાલી રહ્યું છે. આ ઉપરાંત અન્ય અડધો ડઝન નામો પણ ચર્ચામાં છે.
એક સંભાવનાએ પણ રહેલી છે કે રાજકોટ બેઠક ઘડવા પાટીદાર સમાજની મનાતી હોય આ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાને પણ ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નામ પણ ઉછળી રહ્યું છે. વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારિયાને રિપીટ કરવામાં આવે તેવી સંભાવના તદ્ન નહિંવત છે. જો રાજકોટ બેઠક પરથી મહિલા ઉમેદવારને ટિકિટ આપવાનો નિર્ણય લેવામાં આવે તો પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દિપીકાબેન સરવડાનું નામ આગળ ચાલી રહ્યું છે.
હાલ છેલ્લા રિપોર્ટ મુજબ રાજકોટ બેઠક માટે બ્રિજેશભાઇ મેરજા અને પુષ્કરભાઇ પટેલનું નામ લગોલગ ચાલી રહ્યું છે. જો સ્થાનિક અને યુવા ચહેરાને તક આપવામાં આવશે તો પુષ્કરભાઇને ટિકિટ આપવામાં આવે તેવું મનાઇ રહ્યું છે. અનુભવીને ટિકિટ આપવાનો નિર્ણય લેવામાં આવે તો બ્રિજેશભાઇને તક મળી શકે છે. એક ચર્ચા એવી પણ આજ સવારથી ચાલી રહી છે કે એક જૂથ દ્વારા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નામ પણ રાજકોટ બેઠક માટે સૂચવવામાં આવ્યું છે. જો કે, જ્ઞાતિ-જાતિના સમિકરણો મુજબ આ નામ કોઇ રીતે બંધ બેસતું નથી. છતાં વિજયભાઇના જ્ઞાતિ હરિફ તરીકે તેઓનું નામ ચર્ચામાં આવ્યું હોવાનું મનાઇ રહ્યું છે. ભાજપ આવતીકાલે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરશે. જેમાં ગુજરાતની આઠથી દશ બેઠકો માટે નામની જાહેરાત કરવામાં આવે તેવું મનાઇ રહ્યું છે. જો કે, પ્રથમ યાદીમાં રાજકોટ બેઠક માટે ઉમેદવાર જાહેર કરાઇ તેવી હાલ કોઇ જ શક્યતા દેખાતી નથી.