તમારી સીટબેલ્ટ જોરથી બાંધી લેજો…

ભારતમાં વર્ષ ૨૦૫૦ થી ૨૦૮૦ સુધીમાં એર ટરબ્યુલેન્સમાં આશરે ૨૦૦%નો ઉછાળો આવવાની ભીતિ

તમારી સીટ બેલ્ટ જોરથી બાંધીને તૈયાર થઈ જાવ કેમ કે, તમારી ફ્લાઇટ હવે એવા અવકાશમાંથી પસાર થશે કે જ્યાં પરોક્ષ ખાડા ટેકરા હશે અને તેના લીધે તમને ઝટકાઓનો અનુભવ થશે. હાલ સુધી રોડ પરથી પસાર થતા હોય ત્યારે ખાડાઓ-સ્પીડબ્રેકર, ખરાબ રસ્તાઓને  લીધે અવરોધનો સામનો કરવો પડતો હતો પરંતુ આગામી દશકાઓમાં અવકાશમાં પણ આ જ પ્રકારના અવરોધો આવતા થઈ જશે.

ફ્લાઇટની સફર કરતા હોય તેઓ એર ટરબ્યુલેન્સથી વાકેફ હોય છે. આગામી દશકાઓમાં આબોહવા પરિવર્તનને લીધે મુસાફરોને ભારે એર ટરબ્યુલેન્સનો સામનો કરવો પડશે તેવું એક અભ્યાસમાં સામે આવ્યું છે. યુકેની યુનિવર્સિટી ઓફ રીડીંગ દ્વારા કરાયેલા અભ્યાસમાં આ પ્રકારના પરિણામો સામે આવ્યા છે.

એર ટરબ્યુલેન્સ કોઈ દેશ કે દિશા પૂરતું સીમિત નહીં રહે પરંતુ આખી દુનિયામાં આ સમસ્યાનો સામનો કરવો પડશે તેવું અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે. દુનિયાના પશ્ચિમ છેડા તરફ આ પ્રકારના ભારે એર ટરબ્યુલેન્સનો એકાદ દશકામાં જ સામનો કરવો પડશે પરંતુ ફક્ત પશ્ચિમી છેડા સુધી જ એર ટરબ્યુલેન્સ સીમિત નહીં રહે. વર્ષ ૨૦૫૦ સુધીમાં ઉત્તરીય વિભાગમાં એર ટરબ્યુલેન્સ લગભગ બમણા થઈ જશે. ભારતમાં પણ વર્ષ ૨૦૫૦ સુધીમાં લગભગ બમણા એર ટરબ્યુલેન્સનો સામનો કરવો પડશે.

એર ટરબ્યુલેન્સના વધારાને ટાંકી અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે, ભારતના ઉત્તરીય વિભાગમાં વર્ષ ૨૦૫૦ થી ૨૦૮૦ સુધીમાં ૧૦૦% થી ૨૦૦% સુધીનો વધારો થઈ જશે. તેમાં પણ ખાસ પ્રિમોન્સૂન સિઝન એટલે કે માર્ચ મહિનાથી મેં મહિના સુધીમાં ભારે એર ટરબ્યુલેન્સનો સામનો મુસાફરોએ કરવો પડશે. રીડીંગ યુનિવર્સીટીના એટમોસફેરીક સાયન્સ વિભાગના પ્રોફેસર પૌલ વિલિયમ્સ દ્વારા આ તમામ અહેવાલ આપવામાં આવ્યો છે.

આ અભ્યાસ કરવા માટે સંશોધનકર્તાઓ દ્વારા આબોહવા પરિવર્તન મોડલ ઓફ ઇન્ડિયાનો આધાર લેવામાં આવ્યો હતો. ભારતમાં એર ટરબ્યુલેન્સ અંગે સંશોધન કરતા સામે આવ્યું છે કે, વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતના એર ટરબ્યુલેન્સમાં ઓછામાં ઓછો ૧૦૦% સુધીનો ઉછાળો આવી શકે છે. વિલિયમ્સે આ બાબતે જણાવ્યું છે કે, આ એર ટરબ્યુલેન્સ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે, એર ટરબ્યુલેન્સ રડારમાં જોઈ શકાશે નહીં તેમજ પાઇલોટને પણ કોકપિટમાંથી એર ટરબ્યુલેન્સ ધ્યાનમાં આવશે નહીં.

યુકેની રીડીંગ યુનિવર્સિટી પહેલી એવી સંસ્થા નથી જેણે એર ટરબ્યુલેન્સમાં જંગી ઉછાળાનો દાવો કર્યો છે. અગાઉ યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ દ્વારા પણ દાવો કરવામાં આવ્યો હતો કે, આબોહવા પરિવર્તનને લીધે ફ્લાઇટસની એર ટરબ્યુલેન્સમાં મોટો ઉછાળો આવી શકે છે.

અવકાશી અકસ્માતોની સંખ્યામાં થઈ શકે છે ઉછાળો!!

મુસાફરોને થતી ઇજાઓ પૈકી એર ટરબ્યુલેન્સ આધારિત ઇજાઓ ખૂબ જ સામાન્ય બાબત છે. ગત ડિસેમ્બર માસમાં અમેરિકાએ એર ટરબ્યુલેન્સ આધારિત બે દુર્ઘટનાની તપાસ માટે આદેશ આપ્યા હતા. બે ઘટનાઓ પૈકી એક દુર્ઘટનામાં ૪૦ મુસાફરો ઇજા થઇ હતી જ્યારે અન્ય દુર્ઘટનામાં ૩૬ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ભારતમાં છેલ્લા બે વર્ષમાં બે ડઝનથી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ગત વર્ષે એર ટરબ્યુલેન્સના લીધે એક મુસાફરને ગંભીર સ્પાઇનલ ઇંજરી થઈ હતી. અગાઉ એર ટરબ્યુલેન્સના લીધે થયેલા અકસ્માતમાં મુસાફરોના મોત થયાના પણ દાખલા છે ત્યારે હવે એર ટરબ્યુલેન્સમાં વધારો થવાને લીધે હવાઈ અકસ્માતોની સંખ્યામાં ઉછાળો થવાની ભીતિ સેવાઈ રહી છે.

શું એર ટરબ્યુલેન્સનું નિરાકરણ કરી શકાય ?

હાલ ઉડ્ડયન મંત્રાલય એર ટરબ્યુલેન્સને રોકવા જહેમત ઉઠાવી રહી છે. એર ટરબ્યુલેન્સને રોકવા માટે પ્રદુષણ ઘટાડવું જરૂરી છે. એર ટરબ્યુલેન્સ થવા પાછળ આબોહવા પરિવર્તન જવાબદાર પરિબળ છે. ગ્રીન હાઇડ્રોજન પ્રોજેકટ પ્રદુષણને અટકાવવા માટે લેવામાં આવેલું પગલું છે. ત્યારે પ્રદુષણ અટકાવવા માટે જહેમત ઉઠાવવી જરૂરી છે. પ્રદુષણ અટકે તો જ એર ટરબ્યુલેન્સને અટકાવી શકાય છે. હાલ વિશ્વની અનેક કંપનીઓ ઝીરો એમિશન માટે આગળ વધી રહી છે જેના લીધે પ્રદુષણને કાબુમાં એર ટરબ્યુલેન્સ સહિતની સમસ્યોને નિવારી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.