જૂનાગઢ, માંગરોળ, ધોરાજી,જામકંડોરણા, ખંભાળીયામાં માવઠુ: દેવભૂમિ દ્વારકા, કચ્છ સહિતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ: કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર: ઘઉં, જીરૂ, ચણા સહિતના પાકોને ભારે નુકશાન વાની ભીતિ

અફઘાનિસ્તાનમાં સર્જાયેલુ વેસ્ટર્ન ડિસ્ટબન્સ રાજસ્થાન તરફ આગળ વધતા કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો

ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. કડકડતી ઠંડી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને આજે વહેલી સવારે રાજકોટ સહિત કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રમાં જૂનાગઢના માંગરોળ, રાજકોટના ધોરાજી, જામકંડોરણા, ખંભાળીયામાં માવઠુ થયું. સાથો સાથ દેવભૂમિ દ્વારકા અને કચ્છ સહિતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદ વરસ્તા ખેડૂતો ચિંતાતુર થઈ ગયા હતા. આ વરસાદના કારણે ઘઉં, જીરૂ, ચણા સહિતના પાકોને ભારે નુકશાની થાય તેવી ભીતિ સર્જાઈ છે. હવામાન વિભાગે બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. અફઘાનિસ્તાનમાં સર્જાયેલું વેસ્ટર્ન ડિસ્ટબન્સ રાજસ્થાન તરફ આગળ વધતા આજે અમદાવાદ ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટાથી લઈ માવઠાઓ જોવા મળ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે દ્વારકા અને કચ્છમાં હળવો વરસાદ પણ પડ્યો હતો. આ સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. રવિવારે બપોરબાદ દેવભૂમિ દ્વારકામાં અચાનક વાતાવરણમાં ફરેફાર તાં મોડીરાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદી રોડ-રસ્તા ભીના થયા હતા અને અમુક જગ્યાએ પાણીના ખાબોચીયા ભરાયા હતા. મોટાભાગના વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને ઘણી જગ્યાએ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો.

eye

આજે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા વાહન ચાલકો પરેશાન થયા હતા. રોડ પર પસાર થતી વખતે વાહન ચાલકોએ લાઈટ ચાલુ રાખી જવું પડ્યું હતું. રાજકોટ અને જૂનાગઢમાં વહેલી સવારે વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું. અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા રાજકોટમાં વરસાદી છાંટા અને જૂનાગઢમાં વરસાદના ઝાપટા પડયા હતા.

રાજ્યભરમાં વરસાદની વાત કરીએ તો કચ્છના નખત્રાણા, માધાપુર, નલીયા અને અંજારમાં વરસાદ પડ્યો હતો અને રાજ્યભરમાં સૌથી વધુ માવઠાની અસર પશ્ર્ચિમ કચ્છમાં જોવા મળી હતી. ભાવનગરમાં પણ ધુમ્મસ સાથે વાદળછાંયુ વાતાવરણ તેમજ રાજકોટમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને વરસાદી છાંટા પડ્યા હતા. આ ઉપરાંત ગોસાર, નવગામ સહિતના વિસ્તારોમાં તેમજ હળવદ અને ટીક્કરમાં પણ વરસાદ પડ્યો હતો. મોરબીના નાની વાવડી, સનાળા અને જેતપુર ખાતે વરસાદ પણ પડ્યો હતો. પાટણ અને બોટાદમાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદી માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદને કારણે ઘઉં, મકાઈ, ચણા, જીરૂ, એરંડાને પાકને નુકશાન થવાની ભીતિથી ખેડૂત ચિંતાતૂર બન્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ રાજસન તરફ આગળ વધતા આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની વકી છે.

બે દિવસ બાદ ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે

રાજ્યભરમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચકાયો છે અને ઠંડીનું પ્રમાણ ઘટતા લોકોએ હાશકારાનો અનુભવ કર્યો છે. જો કે, આગામી ગુરૂવારથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આજે વહેલી સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૮.૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે નલીયા રાજ્યનું સૌથી ઠંડુ નોંધાયું હતું. જેનું લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૭.૫ ડિગ્રી, ડિસાનું ૧૭ ડિગ્રી, વડોદરાનું ૧૯.૬ ડિગ્રી, સુરતનું ૨૧.૮ ડિગ્રી, જૂનાગઢનું ૧૭.૬ ડિગ્રી, ભાવનગરનું ૧૮.૭ ડિગ્રી, વેરાવળનું ૨૦.૫ ડિગ્રી, દ્વારકાનું ૧૭ ડિગ્રી, ઓખાનું ૧૬ ડિગ્રી, ભુજનું ૧૦.૭ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૬.૮ ડિગ્રી, અમરેલીનું ૧૭.૬ ડિગ્રી, ગાંધીનગરનું ૧૬ ડિગ્રી, મહુવાનું ૧૭.૯ ડિગ્રી, દિવનું ૧૯.૫ ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરનું ૧૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જો કે બે દિવસ ઠંડીનું પ્રમાણ નહીવત રહેશે ત્યારબાદ ગુરૂવારથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થાય તેવું હવામાન વિભાગે આગાહી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.