ચાલુ વર્ષે ખુબજ સારો વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જો કે, અત્યારથી જ સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલ્ટો આવ્યો છે. સવારે અને બપોરે વાદળછાંયુ વાતાવરણ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે ગઈકાલે બપોરે અચાનક જ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી, સાપર, ગોંડલ સહિતના વિસ્તારોમાં વાતાવરણ પલ્ટાયું હતું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા, ધુળની ડમરી ઉડવાની સાથે અમુક જગ્યાએ અમી છાંટણા પણ થયા હતા. ત્યારે કચ્છના ભચાઉમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ભરઉનાળે વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા તો કેટલાંક વિસ્તારમાં વરસાદની અસર દેખાઈ હતી. જો કે, આજથી વાતાવરણ ફરી ચોખ્ખુ થઈ ગયું છે અને આવતીકાલથી આકાશમાંથી અગનવર્ષા થશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સહિત કચ્છના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. ગોંડલ શહેર તેમજ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી અને સાપરમાં પણ ગરમીનો પારો ઉંચો રહ્યાં બાદ સાંજ પડતાની સાથે જ અચાનકથી જ વાતાવરણ પલ્ટાતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ધુળની ડમરીઓ ઉડવાની સાથે અમુક જગ્યાએ અમી છાંટણા વરસ્યા હતા. ભચાઉમાં ભર ઉનાળે વરસાદ પડતા ખેડૂતોને પાકમાં નુકશાન જવાની ભીતિ પણ વ્યકત કરી હતી. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તો અમુક ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

બે દિવસ વાદળછાંયા વાતાવરણ બાદ આવતીકાલથી ફરી અગનવર્ષા વર્ષે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું. પારો ફરી 41 ડિગ્રીને પાર પહોંચે તેવી પણ શકયતા હાલ વ્યકત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.