મોરબીમાં મચ્છુ-૨ ડેમના તળિયા દેખાતા જળસંકટની સ્થિતિ ઉદભવી છે. ત્યારે આ જળસંકટ ઘેરું બને તે પૂર્વે નર્મદા ડેમના નીર મચ્છુ-૨ ડેમમાં ઠાલવવામાં આવે તેવો જિલ્લા કલેક્ટરે અગ્રસચિવને પત્ર લખ્યો છે.
મોરબી પંથકમાં વરસાદ ખેચાતા જળસંકટના વાદળો ઘેરાયા રહ્યા છે. ત્યારે લોકો ચિંતાતુર બન્યા છે. મચ્છુ-૨ ડેમના તળિયા દેખાઈ ગયા હોવાથી પાણી વિતરણમાં કાપ મુકવાની ફરજ પડી છે. ત્યારે નર્મદાના નીર કેનાલ વાટે ચાલુ કરવામાં આવે તે અનીવાર્ય છે.
મોરબી જિલ્લા ક્લેકટરે જળ સંકટને ઘેરું બનતા રોકવા માટે અગ્રસચિવને પત્ર લખ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે મચ્છુ-૨ ડેમનું તળિયું દેખાતા પાણી કાપ મુકવાની ફરજ પડી છે. હાલ નર્મદા કેનાલ મારફતે પાણી આપવુ અનિવાર્ય બની ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખે પણ નર્મદાના નીર મચ્છુ-૨ ડેમમાં ઠાલવવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.
મોરબી પાલીકામાં અરજદારો અને મહિલા કર્મચારી વચ્ચે ડખો : સામસામી ફરિયાદ
શાંતિવન સોસાયટીના રોડ પ્રશ્ને રજુઆત કરવા આવેલા રહીશો અને પાલિકાના કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો
મોરબી નગરપાલિકા કચેરીએ શાંતિવન સોસાયટીના રહીશો રોડ પ્રશ્ને રજુઆત કરવા આવ્યા હતાં. તે દરમિયાન રહીશો અને પાલિકાની મહિલા કર્મચારી વચ્ચે ડખો થઈ ગયો હતો. આ મામલે બન્ને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીની શાંતિવન સોસાયટીના રહીશ મૂળજી દેવજી સોલંકીએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ શાંતિવન સોસાયટીના રોડ પ્રશ્ને નગરપાલિકા કચેરીએ ચીફ ઓફિસરને રજુઆત કરવા આવ્યા હતા. તે દરમિયાન ચીફ ઓફિસર હાજર ન હતા. ત્યારે પાલિકાના મહિલા કર્મચારી સોનલબેન આંબાભાઈ પાંચિયાએ તેઓ સાથે બોલાચાલી કરીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.
સામા પક્ષે પાલિકાના મહિલા કર્મચારી સોનલબેન આંબાભાઈ પાંચિયાએ મૂળજી દેવજી સોલંકી, રાજુ કલ્યાણજી અને રામજી માસર સામે ફરિયાદ નોંધાવી હતી કે શાંતિવન સોસાયટીના રહીશો રજુઆત કરવા આવ્યા ત્યારે મૂળજી દેવજી સોલંકીએ તેમના પગે ઠેસ પહોંચાડી, બાવડું પકડીને અશ્લિલ હરકત કરી ફરજમાં રુકાવટ લાવી હતી. પોલીસે બન્ને પક્ષોની ફરિયાદના આધારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.