ગેરકાયદે દબાણ ખડકી દેનાર પાસેથી રૂ.૨૮ હજારનો વહિવટી ચાર્જ વસુલાયો
શહેરના રાજમાર્ગો પર પાર્કિંગની સમસ્યા હલ કરવા મહાપાલિકા દ્વારા એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની સુચના અને ટીપીઓ એમ.ડી.સાગઠિયાના માર્ગદર્શન હેઠળ ટીપી શાખા દ્વારા વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ પર ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. ૬ સ્થળોએ પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દુર કરી રૂ.૨૮ હજારનો વહિવટી ચાર્જ વસુલ કરાયો હતો.આજે હાથ ધરવામાં આવેલા ડિમોલીશનમાં રામકૃષ્ણ આશ્રમની પાછળ વિદ્યાનગરમાં રોડ પર બનાવવામાં આવેલો અવેડો, રામકૃષ્ણ આશ્રમ પાછળ રામપાર્કની નામની કેબિન, જાગનાથ મંદિર ચોકમાં પાર્કિંગની જગ્યામાં ચા વાળાનો ઓટલો તથા હંગામી છાપરું, અક્ષરવત્સ બિલ્ડીંગમાં ભાટીયા મોબાઈલના પાર્કિંગની જગ્યામાં મુકાયેલું સાઈન બોર્ડ, મીરા કોમ્પ્લેક્ષમાં રુહાની બ્યુટીક દ્વારા પાર્કિંગની જગ્યામાં મુકાયેલા સાઈન બોર્ડ અને યુનાઈટેડ કલરર્સ ઓફ બેલેટન દ્વારા પાર્કિંગમાં મુકાયેલું સાઈન બોર્ડ હટાવી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત દબાણ ખડકી દેનાર આસામીઓ પાસેથી ા.૨૮ હજારનો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સ્વામિનારાયણ ચોકમાં ડિમોલીશન કરાશે તો આત્મવિલોપન: કોંગી નગરસેવિકાની ચીમકી
ચોમાસા અને તહેવારોના દિવસોમાં વોર્ડ નં.૧૩માં સ્વામિનારાયણ ચોકના આજુબાજુના મુખ્ય રસ્તાઓ પર ડિમોલીશન મોકુફ રાખવા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરની માંગ
શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગ અભિયાન અંતર્ગત મહાપાલિકા દ્વારા ડિમોલીશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શહેરના વોર્ડ નં.૧૩માં સ્વામિનારાયણ ચોકમાં શિલ્પન પ્લાઝાના માર્જીન પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દુર કરવા નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે વોર્ડના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે ડિમોલીશન મોકુફ રાખવાની રજુઆત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને કરી છે
છતાં ડિમોલીશન હાથ ધરવામાં આવશે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને લેખિતમાં રજુઆત કરતા જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૩માં સ્વામિનારાયણ ચોકની આજુબાજુના વિસ્તારોમાં દબાણો દુર કરવા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે
ત્યારે ચોમાસાની સીઝન અને તહેવારના દિવસોમાં ડિમોલીશન બંધ રાખવા અમારી માંગણી છે છતાં જો તંત્ર દ્વારા વેપારીઓના ધંધા છીનવાના પ્રયાસ કરવામાં આવશે તો અમારે નાછુટકે વેપારીઓને સાથે રાખી આત્મવિલોપન કરવાની ફરજ પડશે અને આમા કોઈ જાનહાની થશે તો તેની જવાબદારી મહાપાલિકા તંત્રની રહેશે.