પ્રગતિશીલ ગુજરાતના વિકાસમાં રાજકોટ સર્વાંગી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે: ધનસુખ ભંડેરી.
ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા સ્વર્ણીમ જયંતી, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજયની ૧૬૨ નગરપાલિકા તથા ૮ મહાનગરપાલિકાઓને રોડ, રસ્તા, લાઈટ, ગટર, પાણી, ઉપરાંત બગીચાઓના વિકાસ કાર્યોની સાથોસાથ લોકોને સુખાકારી જળવાય તેવા હેતુથી પ્રાથમિક સુવિધાઓની સાથોસાથ માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાઓ માટે કરોડો રુપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે ત્યારે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર ખાતે, સુરત અને વડોદરા બાદ રાજકોટ ખાતે એન્જીનીયરીંગ એસોસીએશન હોલ ખાતે સ્વચ્છતા સર્વેક્ષણ વર્કશોપ તથા સમીક્ષા બેઠક યોજાયેલ હતી.
જેમાં રાજકોટ ઝોનની કચ્છ જિલ્લાની સમાવિષ્ટ ગાંધીધામ, ભુજ, અંજાર, માંડવી, ભચાઉ, રાપર, નગરપાલિકા, જામનગર જિલ્લાની કાલાવડ, ધ્રોલ, જામજોધપુર, સિકકા નગરપાલિકા, દેવભૂમિ દ્વારકાની ઓખા, ખંભાળીયા, દ્વારકા, સલાયા, ભાણવડ, જામરાવલ નગરપાલિકા, મોરબીની મોરબી, વાંકાનેર, હળવદ, માળીયા-મીંયાણા નગરપાલિકા, રાજકોટની જેતપુર, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જસદણ અને ભાયાવદર નગરપાલિકા, પોરબંદરની પોરબંદર, રાણાવાવ, છાયા, કુતિયાણા નગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ જોડાયા હતા. આ વર્કશોપનું દિપ પ્રાગટય ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ કર્યું હતું.
જેમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી બી.સી.પટ્ટણી, રાજકોટના પ્રાદેશિક કમિશનર ગૌરવ મકવાણા સહિતના સાથે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ, સ્વચ્છ ભારત અભિયાનના અધિકારીઓ તેમજ આઈ.એ.એસ. ઓફિસરો ઉપસ્થિત રહી ગ્રાન્ટનો ઉપયોગ થાય તે માટે ખાસ કરી સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જનભાગીદારી યોજના, આગવી ઓળખના કામો, આનુસાંગિક ગ્રાન્ટ તેમજ નગરપાલિકાઓમાં ભુગર્ભ ગટરના કામો અંગે રીવ્યુ બેઠક લીધી હતી અને ભુગર્ભ ગટરના કામો સાથોસાથ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્વચ્છ ભારત મિશન તેમજ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી અમૃત સીટી યોજના અમલમાં આવી છે
તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.આ તકે ઉપસ્થિત નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને વધુ માહિતી આપતા ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો વિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે ત્યારે નગરપાલિકાઓ પણ સમૃદ્ધ અને સ્માર્ટ બને તેવા હેતુથી આ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે, શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાને સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિકાસ કામો માટે ફાળવવામાં આવેલ ગ્રાન્ટને ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા સૈઘ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. જેમાં ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓમાં સમાવિષ્ટ રસ્તાના કામો, પાણી, પુરવઠાના કામો, ભુગર્ભ ગટરના કામો, સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામો અને અન્ય કામો કરવામાં આવશે.