કેબીનેટ મીનીસ્ટર પ્રકાશ જાવડેકરનાં હસ્તે આર.કે. યુની.ને સ્વચ્છ કેમ્પસનો એવોર્ડ
રાજકોટ ભાવનગર હાઈવે પર ત્રંબા નજીક આવેલ આર.કે. યુનિ.એ સમગ્ર દેશમાં ફરીવાર રાજકોટનું નામ રોશન કર્યું છે. ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા સમગ્ર દેશની શૈક્ષણીક સંસ્થાઓમાં સ્વચ્છતાને અનુલક્ષીને એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતુ જેમાં ઉચ્ચ અભ્યાસ આપતી સંસ્થાઓને આપવામા આવેલા સ્વચ્છ કેમ્પસ રેન્કિંગ ૨૦૧૮માં રાજકોટની આરકે યુનિ.એ સમગ્ર દેશમાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ગુજરાતભરમાંથી એકમાત્ર આરકે યુનિ.ની પસંદગી થવી એ રાજકોટના લોકો માટે ખૂબ આનંદની વાત છે.
ખઇંછઉ દ્વારા સમગ્ર દેશની ૭૦૦૦થી વધુ સંસ્થાઓમાં કરવામાં આવેલા આ સ્વચ્છ કેમ્પસ સર્વેક્ષણમાં સ્વચ્છતાને લગતા વિવિધ પાસાઓ જેવા કે કેમ્પસના ૫૦%થી વધુ વિસ્તારમાં રહેલા વૃક્ષોની સંખ્યા અને તેની સારસંભાળ રેઈન વોટર હારવેસ્ટિંગનું માળખું, સોલાર પાવરની ઉપલબ્ધતા, બાયોગેસ પ્લાન્ટ, સ્વચ્છ પાણીની વ્યવસ્થા, શૌચાલયની સંખ્યા અને સ્વચ્છતા પાણી વિતરણ માટેની પાઈપલાઈનની પદ્ધતિમાટે થતા કાર્ય વગેરેને આવરી લેવામાં આવ્યા હતા. ભારતના કેબીનેટ મીનીસ્ટર પ્રકાશ જાવડેકરના હસ્તે સ્વચ્છ કેમ્પસનું સન્માન મેળવવા માટે આરકે યુનિ.ના વાઈસ પ્રેસીડેન્ટ ડેનીશ પટેલે પુરસ્કાર સમારંભમા હાજરી આપી હતી. આ ઉપરાંત આ સમારંભમાં મીનીસ્ટર ઓફ સ્ટેટ ડો. સત્યપાલ સિંહ, સેક્રેટરી ઓફ હાયર એજયુકેશન આર. સુબમણ્યમ, મિનિસ્ટ્રી ઓફ ડ્રિકિંગ વોટર એન્ડ સેનિટેશનના સેક્રેટરી યુજીસીના ચેરમેન ડી.પી.સિંહ, અનિલ સહશ્રબુધે, સુબ્બારાઓએ હાજરી આપી હતી.