સ્વચ્છતા જાળવવા શહેરીજનોને સહયોગ આપવા મ્યુનિ.કમિશનરની અપીલ
કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત તાજેતરમાં દેશના વિવિધ શહેરમાં ઈન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ બાદ હવે આગામી તા. ૬ઠ્ઠી માર્ચ, ૨૦૧૯ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ શહેરોના નામ અને તે અંગેના એવોર્ડઝની જાહેરાત કરવામાં આવનાર છે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ કહ્યું હતું કે, રાજકોટ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવામાં શહેરીજનોએ રાજકોટ મહાનગરપાલિકાને જે કાંઈ સહયોગ આપ્યો છે તે સરાહનીય રહયો છે અને આગામી દિવસોમાં પણ આપણું રંગીલું રાજકોટ શહેર સ્વચ્છ અને સુંદર બની રહે તે માટેના પ્રયાસોમાં સૌ કોઈ નાગરિક પોતાની નૈતિક ફરજ સમજીને સતત યોગદાન આપતા રહેશે તેવી અપેક્ષા છે. સૌ નાગરિકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અને સુંદરતા બરકરાર રાખવા માટે જે પ્રયાસો થાય છે તેમાં અવિરત સહયોગ પ્રદાન કરે તેવી જાહેર અપીલ છે.