જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ગીરનાર તીર્થક્ષેત્રમાં સફાઈ અભિયાનમાં જોડાયા: સાધુ -સંતો, મેયર, કલેકટર સહિતના પદાધિકારી-અધિકારી સફાઈ અભિયાનમાં જોડાયા
રાજ્યના કૃષિ અને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે ભવનાથ તળેટી વિસ્તારમાં પવિત્ર યાત્રાધામોના સફાઈ અભિયાનમાં પ્રતિકાત્મક રીતે સફાઈ હાથ ધરીને- લોકોને દેવસ્થાનોને કાયમી સ્વચ્છ અને સુઘડ રાખવા માટે અનુરોધ કર્યો હતો.
આજે જૂનાગઢ ખાતે ભવનાથ શ્રેત્ર માં યોજાયેલી પવિત્ર યાત્રાધામોના સફાઈ ઝુંબેશમાં ગુરુ દત્તાત્રેયથી ગિરનાર પર્વતના પગથીયા, ભવનાથ અને સમગ્ર તળેટી સહિતના વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. જેમાં 152 જેટલા સફાઈ કર્મી અને અને 18 જેટલા સુપરવાઇઝર પર જોડાયા હતા.
આ તકે રાજ્યના કૃષિ મંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને રાજ્યમાં સ્વચ્છતાને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ત્યારે આપણા પવિત્ર યાત્રાધામો કાયમી માટે સ્વચ્છ રહે તે માટે રાજ્યભરમાં આજે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. લોકો યાત્રાધામ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમના માધ્યમથી સ્વચ્છતા માટે વિશેષ સજાગ બનશે. અને ગુજરાતના પવિત્ર યાત્રાધામો કાયમી ધોરણે સ્વચ્છ રહે તેવી રાજ્ય સરકારની નેમ પણ સાર્થક થશે. આ સફાઈ અભિયાનમાં ગિરનાર તીર્થક્ષેત્રના સાધુ, સંતો તેમજ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જિલ્લા શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, મનપાના નગરસેવકો સહિતના મહાનુભાવો જોડાયા હતા.