- એસએમસીની તપાસમાં થયેલા ઘટસ્ફોટ બાદ એલસીબી-એસઓજી સહિતની બ્રાન્ચોમાં પણ મોટાપાયે ઉથલ પાથલ
ટંકારાના બહુચર્ચિત જુગારધામ કેસની તપાસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ઝુકાવ્યા બાદ અનેક મોટા કડાકા ભડાકા થવાના એંધાણ વચ્ચે શનિવારે સાંજે જ ટંકારા પોલીસના તત્કાલીન ઇન્ચાર્જ પીઆઈ વાય કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહીપતસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવાયા બાદ સાત પીએસઆઈ સહીત 18 પોલીસકર્મીઓને બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. દરમિયાન જિલ્લા પોલીસવડાએ એકસાથે 208 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરી દીધાના બનાવ સામે આવ્યા છે.
ટંકારાની હોટેલ કમ્ફર્ટ ઈનમાં થયેલી જુગારની રેઇડ બાદ મોટા પાયે વહીવટની ચર્ચાએ જોર પકડ્યા બાદ તપાસ એસએમસીને સોંપવામાં આવી હતી. એસએમસી વડા નિર્લિપ્ત રોય સહીતની ટીમોએ ટંકારા-મોરબીમાં ધામા નાખી તપાસ રિપોર્ટ રાજ્ય પોલીસવડાને સોંપ્યા બાદ અનેક ઘટસ્ફોટ થયાના અહેવાલને પગલે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ સાફસૂફી અભિયાન શરૂ કર્યું હોય તેમ એકસાથે ગઈ સાંજથી એક કે બે નહીં પરંતુ મોરબી જિલ્લામાં ફરજ બજાવતા કુલ મળીને 208 જેટલા પોલીસ કર્મચારીઓની બદલીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં એલસીબી, એસઓજીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સહિતના પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે અને આ સામૂહિક બદલીથી પોલીસ કર્મચારીઓમાં કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
મોરબી જિલ્લામાં છેલ્લા સમયગાળાથી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા હતા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા હતા તેવામાં ટંકારાનો હાઈપ્રોફાઈલ જુગારધામ કેસ તેમજ છેલ્લા મહિનાઓ દરમિયાન એસએમસીની ટીમ દ્વારા એક બે નહીં પરંતુ ચાર જેટલી જુદી જુદી સફળ રેડ કરવામાં આવી હતી અને તેમાં લાખો કરોડો રૂપિયાનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. જેથી કરીને સ્થાનિક પોલીસની કામગીરી તથા જિલ્લામાં એલસીબી અને એસઓજીની કામગીરી સામે પણ સવાલો ઊભા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તેવામાં થોડા દિવસો પહેલા એસએમસીની ટીમ દ્વારા પેટકોકની ચોરી સહીતની પણ સફળ રેડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ સાત અધિકારી અને 11 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી. જોકે બદલીના પહેલા રાઉન્ડ બાદ ગત મોડી સાંજે મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સામૂહિક બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો છે અને જિલ્લામાં ફરજ બજાવતા અંદાજે 1,000 જેટલા પોલીસ કર્મચારીઓમાંથી 20 ટકા જેટલા પોલીસ કર્મચારીઓ એટલે કે 208 જેટલા પોલીસ કર્મચારીઓની બદલી માટે ઓર્ડર કરવામાં આવ્યો છે. આ બદલીના ઓર્ડરમાં એલસીબી, એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સહિત જિલ્લાના આઠ પોલીસ મથક અને હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે. જોકે આ બદલીને લઈને પોલીસ કર્મચારીઓમાં કહી ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
સાત ફોજદાર અને 11 પોલીસમેનની બદલીના આદેશ બાદ વધુ એક લિસ્ટ જાહેર
મોરબી જિલ્લાના ટંકારા નજીકની હોટલ કમ્ફર્ટ ઈનમાં હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં તપાસની સાથે બે દરોડા બાદ આચરાયેલા ખાખીના તોડકાંડનો પર્દાફાશ થયા બાદ પોલીસ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી સાફસૂફી શરૂ કરી છે. સ્થાનિક પોલીસની ઢીલી કામગીરી ખુલ્લી પડતા જિલ્લા પોલીસ વડાએ 7 પીએસઆઈ અને 11 પોલીસ કર્મીઓની બદલીના હુકમ કર્યા હતા. જે બાદ મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા વધુ એક બદલીનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે