સંસ્કાર મહિલા કેન્દ્ર મંદિરના વિંશતિ મહોત્સવ પ્રસંગે ગૌપૂજન, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો હાથ ધરાયા
અનેક બાલિકાઓ, કિશોરીઓ અને યુવતીઓના જીવનમાં સંસ્કાર અને સત્સંગની અભિવૃદ્ધિ કરનાર, અમરેલી મહિલા સંસ્કાર કેન્દ્રના સંચાલિકા સાંખ્યયોગી લીલાબાના મંગલ સાનિધ્યમાં, સ્વામિનારાયણ મહિલા કેન્દ્ર દાનેવ પાર્ક, બાપુનગર અમદાવાદમાં, સંસ્કાર મહિલા કેન્દ્ર મંદિરના વિંશતિ મહોત્સવ પ્રસંગે ગૌપૂજન,વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને સત્સંગીજીવન કથા પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાંખ્યયોગી લીલાબાના વક્તા પદે, બહેનો દિકરીઓને વિશેષ ભક્તિનું બળ મળે, તેવા હેતુથી ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલા ચરિત્રોથી ભરપુર અને સંપ્રદાયના શિરમોડ ગ્રન્થ, સત્સંગિજીવનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાપુનગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં સાંખ્યયોગી બહેનો સાથે અન્ય બહેનો જાતે જઇ ગૌમાતાને લીલો ચારો ખવરાવી ગૌપૂજન કર્યુ હતું.
વળી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ મંદિરો, બાગ બગીચા, જાહેર વિભાગ વગેરે સ્થળે મળ મુત્ર કે થુંકવું પણ નહી એવી આજ્ઞા આપી છે તે મુજબ સાંખ્યયોગી બહેનો ઉપદેશ આપી પોતે જ હાથે સાવરણો લઇ ગામની શેરીઓ સાફ કરવા માંડતા હોય છે ત્યારે હરિભકત બહેનો પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય છે.
ત્યારે દાનેવ પાર્ક, વિસ્તારમાં સાંખ્યયોગી બહેનો અને અન્ય બહેનો સાવરણા લઇ જાતે સમગ્ર વિસ્તાર આભલા જેવો સ્વચ્છ કરી નાંખ્યો હતો. આ પ્રસંગે સંસ્કાર કેન્દ્ર, દાનેવ પાર્ક બાપુનગરની બાલિકા અને કુમારિકાઓનો સાંસ્કૃતિક કાર્યક્મ રાખવામાં આવ્યો હતો. કથાને અંતે તમામ શ્રોતાર્થી બહેનોને પ્રસાદની વ્યવસ્થા કથા સ્થળે જ કરવામા આવી હતી.