અબતક,રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 19મી ઓક્ટોબર, 2022થી 31મી ઓક્ટોબર, 2022 સુધી સ્વચ્છતા અભિયાન 2.0 ચલાવવામાં આવી રહ્યું છે. વધુ વિગતો આપતાં રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ દરમિયાન રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ અને ટ્રેન, ટ્રેક, રેલવે કોલોની અને રેલવે પરિસરમાં સઘન સફાઈ કરવામાં આવી રહી છે. મચ્છરોથી બચવા માટે સ્ટેશનો અને ટ્રેક, પરિસર અને રેલવે કોલોનીઓમાં ફોગિંગ અને એન્ટિ-લાર્વાસ્પ્રેનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
આ અભિયાનમાં રેલવે કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં શ્રમદાનમાં ભાગ લઈ રહ્યા છે. સ્ટેશન પરના મુસાફરો અને રેલવે કોલોનીમાં સ્થાનિક રહેવાસીઓને પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને નિરુત્સાહિત કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આ દરમિયાન અનિચ્છનીય વનસ્પતિને દૂર કરીને વૃક્ષારોપણ દ્વારા બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનના રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર સ્ટેશનોમાં પણ યાંત્રિક સફાઈ પદ્ધતિ અમલમાં છે, જેમાં વિવિધ યાંત્રિક પદ્ધતિઓ દ્વારા સઘન સફાઈ કરવામાં આવી રહી છે.