કોલ સેન્ટરની સરખામણીએ સ્વચ્છતા એપમાં ફરિયાદનો ઝડપી નિકાલ આવતો હોવાનો મ્યુનિ.કમિશનરનો દાવો: રાજકોટને સ્વચ્છતામાં ટોપ-૧૦માં પહોંચાડવા ૩૦ હજાર લોકો સ્વચ્છતા એપ ડાઉનલોડ કરે તે જરૂરી
વર્ષ ૨૦૧૧માં હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરી મુજબ રાજકોટ શહેરની વસ્તી ૧૩,૮૧,૦૦૦ છે. હાલ શહેરની વસ્તીનો આંક ૧૫ લાખથી પણ વધુએ પહોંચી ગયો છે છતાં માત્ર ૭,૦૦૦ લોકોએ મહાપાલિકાએ તાજેતરમાં લોન્ચિંગ કરેલી સ્વચ્છતા એપ ડાઉનલોડ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્વચ્છતામાં રાજકોટને દેશના ટોપ-૧૦ શહેરોમાં સ્થાન અપાવવા માટે ૩૦ હજારથી વધુ લોકો સ્વચ્છતા એપ ડાઉનલોડ કરે તે જરૂરી છે.આજે પત્રકાર સાથે વાતચીત દરમિયાન મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યુંહતું કે, રાજકોટને સ્વચ્છતામાં નંબર વન શહેર બનાવવા માટે મહાપાલિકા દ્વારા હાલ તનતોડ મહેનત કરવામાં આવી છે અને આ માટે ખાસ સ્વચ્છતા એપ પણ લોન્ચ કરવામાં આવી છે જે ગુગલમાં પ્લેસ્ટોર પરથી કોઈપણ વ્યકિત સ્માર્ટ ફોનમાં ડાઉનલોડ કરી શકે છે. અત્યાર સુધીમાં રાજકોટમાં માત્ર ૭ હજાર લોકોએ આ સ્વચ્છતા એપ ડાઉનલોડ કરાવી છે. તેઓએ ઉમેયુર્ં હતું કે, મહાપાલિકાના કોલ સેન્ટરમાં કોઈ ફરિયાદ નોંધાવવામાં આવે તો હલ થતા ઓછામાં ઓછા બે દિવસ થઈ જાય છે પરંતુ સ્વચ્છતા એપમાં જ ગંદકી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવે તો તેનો ૧૨ કલાકમાં નિકાલ કરી દેવામાં આવે છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે ત્યારે શુલભ શૌચાલયની સ્વચ્છતા માટે પણ માર્કિંગ કરવામાં આવશે. જયારે રાજકોટવાસીઓએ સુલભ શૌચાલયને પણ ગ્રેટ આપવાની અપીલ કરી છે.