સ્વચ્છતાની માત્ર વાતો જ ભુગર્ભ ગટર અને સાફ સફાઇના અભાવના પ્રશ્ર્નની ૧પથી વધુ અરજીઓ, ભાજપનાં કોર્પોરેટર લાલઘુમ
એક તરફ મનપા દ્વારા સફાઈ અંગેની મોટી મોટી વાતો કરાય રહી છે, અને સ્વચ્છતા સર્વેક્ષણ માટે મોટી મોટી અખબારી યાદીઓ પ્રસિધ કરાવાઈ રહી છે ત્યારે વોર્ડ નં. ૯ ના ભાજપના જ કોર્પોરેટર દ્વારા આજે સફાઇ બાબતે સવારથી જ કમિશનરની ચેમ્બર પાસે બેસી જઈ ધારણા ચાલુ કરી દેતા ભાજપા અને મનપા તંત્રમાં હલચલ મચી જવા પામી છે.આ અંગે જૂનાગઢ મનપાના વોર્ડ નંબર ૯ ના ભાજપના કોર્પોરેટર હિતેન્દ્ર ઉદાણીના જણાવ્યાનુસાર તેમના વિસ્તારમાં અનેક ગટરો ઉભરાઇ રહી છે, તથા યોગ્ય સફાઈ પણ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતી નથી, આ અંગે લગભગ પંદરથી વધુ અરજીઓ કમિશનરને કરવામાં આવેલ છે, છતા મનપા દ્વારા ગટર કે તેમના વિસ્તારમાં યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી.
બીજી બાજુ તેમના દ્વારા પણ કર્મચારીથી લઈને અધિકારીઓ અને કમિશનર સુધી રજૂઆત કરવામાં આવી છે, અને તેમના સ્વભંડોળ ગ્રાન્ટમાંથી ગટર સફાઈ કરવા માટે કમિશનર પાસે મંજૂરી મંગાઇ છે, છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી કે મંજૂરી અપાતી નથી,તેમના વિસ્તારના લોકો ભરાઈ ગયેલી ગટરોને કારણે અને ન થતી સફાઈ ના કારણે ભારે ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે આજે ના છૂટકે ના ઈલાજે તેવો કમિશનર ચેમ્બર પાસે અનશન પર બેસી ગયેલ છે, અને જ્યાં સુધી તેમના વિસ્તારમાં સફાઈ અને ગટરના કામો નહીં થાય ત્યાં સુધી ઉદાણી આંદોલન જારી રાખશે તેવો હુંકાર કર્યો છે.
જૂનાગઢ મનપામાં ભાજપ શાસક પક્ષે બેઠેલ છે ત્યારે ભાજપના જ કોર્પોરેટર આજે અનશન ઉપર મનપા કચેરીમાં જ બેસી જતા અનેક તર્ક-વિતર્કો ભાજપમાં થઈ રહ્યા છે, કારણ કે એક વાત મુજબ હિતેન્દ્ર ઉદાણી મશરૂભાઈના ગ્રુપના મનાય રહ્યા છે, ત્યારે ભાજપના અમુક પદાધિકારીઓ અને મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરોઆ બાબતે રાગ દ્વેષ રાખતા હોવાની પણ ભાજપમાં ચર્ચા થઈ છે.તો એક વાત મુજબ જૂનાગઢ મનપાના વોર્ડ નંબર ૯ માં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, પૂર્વ નગરપતિ આરતીબેન જોશી, પૂર્વ ડેપ્યુટી મેયર દિવાળીબેન પરમાર અને હિતેન્દ્ર ઉદાણી ભાજપમાંથી ચૂંટાયેલા છે, ત્યારે અન્ય ભાજપના ચૂંટાયેલા મહારથીઓ તેમના વોર્ડમાં યોગ્ય ધ્યાન નહીં આપતા આજે હિતેન્દ્ર ઉદાણી એકાએક ધરણાં પર બેસી જતા આ બાબત પણ તેમના વિસ્તારના નગરજનો માટે અને ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે.