નાનકડા ચિખોદરા ગામની પહેલને અનુસરીને ગુજરાતના ગામોને જળ શુદ્ધિકરણ પ્લાન્ટસની સ્થાપના કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો અનુરોધ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું કે શહેરો અને ગામોના વપરાશી મલિન જળના શુદ્ધિકરણ અને પુન: વપરાશના કામો વ્યાપક સ્તરે થવા જરૂરી છે. તેમણે જણાવ્યું કે ગંદા પાણીના રીસાયકલ અને રિયુઝના વ્યાપક લાભો છે એટલે એને પરંપરા તરીકે અપનાવવાની જરૂર છે.
મુખ્યમંત્રી એ વડોદરા તાલુકાના નાનકડા ચિખોદરા ગામે વડોદરા જિલ્લા વહીવટી તંત્રે એક નવી પહેલના રૂપમાં સ્થાપિત કરેલા બાયો ફિલ્ટર મલિન જળ શુદ્ધિકરણ પ્લાંટનું લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,સાંસદ મતી રંજનબહેન ભટ્ટ અને ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા મુખ્યમંત્રી સાથે લોકાર્પણમાં જોડાયા હતા. આ નવી પહેલમાં સહભાગી ગુજરાત રિફાઈનરી/આઇ.ઓ.સી.એલના કાર્યપાલક નિયામક સુધીર કુમાર, ગ્રામ વિકાસના ક્ષેત્રમાં સરકાર સહયોગી શ્રોફ ફાઉન્ડેશનના શ્રુતિબહેન શ્રોફ, અતુલભાઈ શ્રોફ અને ગ્રામ સરપંચે મુખ્યમંત્રી ને આવકાર્યા હતા.
ચિખોદરાના ગ્રામજનો એ ગામ તળાવમાં ઉગતા કમળો દ્વારા મુખ્યમંત્રી નું અનોખું અને ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી એમના આ ઉમળકાને બિરદાવીને જણાવ્યું કે, ચિખોદરાના લોકોના હૃદયમાં પણ કમળ છે.
ગુજરાત સહિત દેશના ૭રાજ્યો માં આજે સુશાસન દિવસથી ભારત સરકારે શરૂ કરેલી અટલ જળ યોજનામાં ગુજરાતને જોડવાનો એમણે આનંદ વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રી એ જણાવ્યું કે નરેન્દ્રભાઇ મોદી એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રસ્તા,પાણી,ગટર વ્યવસ્થા સહિતના પાયાના માળખાકીય વિકાસ કામોને રાજ્યના વિકાસમાં અગ્રતા આપી હતી.વિકાસનું એ મોડેલ આજે દેશના વિકાસનું અને સુશાસનનુ મોડેલ બન્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જળ સંચયના એક સશક્ત કદમ રૂપે વપરાયેલા પાણીના શુદ્ધિકરણ અને પુન: વપરાશ માટેની નીતિ અમલમાં મૂકી છે.આ પ્લાન્ટ એમની એ નીતિને સાકાર કરે છે.આ પ્લાન્ટ ની વિશેષતા એ છે કે તેમાં મલિન જળનું શુદ્ધિકરણ રસાયણો કે રાસાયણિક પ્રક્રિયાના ઉપયોગ વગર બાયોલોજીકલ પ્રોસેસ હેઠળ કરવામાં આવે છે.બાયો ફિલ્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ ટેકનોલોજી હેઠળ સ્થાપિત આ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરાયેલું પાણી પોષક તત્વો ધરાવતું હોવા થી ખેતી માં વપરાશ થી ખેત ઉત્પાદન વધે છે અને જમીન સમૃદ્ધ બને છે.આમ,આ પર્યાવરણ મિત્ર ટેકનોલોજી ધરાવતો ગંદા પાણીના શુદ્ધિકરણ નો પ્રોજેક્ટ છે.